Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

ઉદ્વવ ઠાકરેએ BJP પર સાધ્યું નિશાન

શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધનમાં જે ૨૫ વર્ષ કાઢયા તે 'બરબાદ' થઈ ગયા

શિવસેનાએ સત્તા માટે કયારેય હિન્દુત્વનો ઉપયોગ કર્યો નથી

મુંબઈ, તા.૨૪: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરેએ રવિવારે ભાજપ પર રાજનીતિક સુવિધા મુજબ હિન્દુત્વનો ઉપયોગ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે તેમની પાર્ટી રાજયની બહાર પોતાનો પ્રસાર કરવાનો પ્રયત્ન કરશે અને તેમનો લક્ષ્યાંક રાષ્ટ્રીય ભૂમિકા મેળવવાનો છે.

તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળું રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ) સંકોચાઈ ગયું છે. કારણ કે અકાલી દળ અને શિવસેના જેવા જૂના સહયોગીઓ પહેલેથી બહાર નીકળી ગયા. પાર્ટીના સંસ્થાપક અને તેમના પિતા બાળ ઠાકરેની ૯૬મી જયંતી પર શિવસૈનિકોને ડિજિટલ માધ્યમથી સંબોધિત કરતા ઉદ્ઘવ ઠાકરેએ કહ્યું કે શિવસેનાએ સત્ત્।ાના માધ્યમથી હિન્દુત્વના એજન્ડાને આગળ લઈ જવા માટે ભાજપ સાથે હાથ મિલાવ્યો હતો.

તેમણે કહ્યું કે શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું કારણ કે તે હિન્દુત્વ માટે સત્તા ઈચ્છતી હતી. શિવસેનાએ સત્ત્।ા માટે કયારેય હિન્દુત્વનો ઉપયોગ કર્યો નથી. શિવસેનાએ હિન્દુત્વને નહીં પરંતુ ભાજપને છોડ્યો છે. હું માનું છું કે ભાજપનું તકવાદી હિન્દુત્વ બસ સત્તા માટે છે.

ઉદ્ઘવ ઠાકરેએ કહ્યું કે શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધનમાં જે ૨૫ વર્ષ કાઢ્યા તે 'બરબાદ' થઈ ગયા. નોંધનીય છે કે શિવસેના ૨૦૧૯ના મહારાષ્ટ્ર ચૂંટણી બાદ ભાજપથી અલગ થઈ ગઈ છે અને તેણે એનસીપી અને કોંગ્રેસ સાથે હાથ મીલાવીને મહાવિકાસ આઘાડી સરકાર બનાવી.

ઉદ્ઘવ ઠાકરેએ કોંગ્રેસ અને એનસીપી સાથે હાથ મિલાવવાની વાત યોગ્ય ઠેરવતા કહ્યું કે અમે ભાજપને તેની રાષ્ટ્રીય મહત્વકાંક્ષા પૂરી કરવા માટે દિલ ખોલીને સાથ આપ્યો. અમારી વચ્ચે સમજ એ હતી કે તેઓ રાષ્ટ્રીય સ્તર પર જશે અને અમે મહારાષ્ટ્રમાં આગળ રહીશું. પરંતુ અમારી સાથે દગો કર્યો અને અમને અમારા જ ઘરમાં મીટાવવાની કોશિશ કરવામાં આવી. આથી અમે પલટવાર કર્યો. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ પોતાની સુવિધા મુજબ પોતાના સહયોગીઓનો ઉપયોગ કરે છે અને પછી તેમને ઠેકાણે લગાવી દે છે.

ઉદ્ઘવ ઠાકરેએ કહ્યું કે 'ભાજપનો અર્થ હિન્દુત્વ નથી. હું મારા એ નિવેદન પર કાયમ છું કે શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધનમાં ૨૫ વર્ષ બરબાદ કરી નાખ્યા.'

(9:54 am IST)