Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

વર્ષે એક વાર કપાશે બેંક ખાતામાંથી ૧૨ રૂપિયા : તમને મળશે ૨ લાખ રૂપિયાનો વીમો

સામાન્ય માણસ માટે પ્રધાનમંત્રી સુરક્ષા વીમો યોજના છે સારો વિકલ્પ

નવી દિલ્હી,તા. ૨૪ : કોરોના મહામારી પછી દરેક વ્યકિત વીમાના મહત્વને સમજવા લાગ્યો છે. પણ સામાન્ય માણસ માટે વીમો લેવો એટલો સહેલો નથી. કેમ કે વીમો લેવા માટેનું પ્રીમીયમ ભરવામાં ખીસ્સુ હળવું થઇ જાય છે. જો તમે વીમો લેવાનું વિચારી રહ્યા હો અને તે પણ ઓછા ખર્ચે તો તમારા માટે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના એક સારો વિકલ્પ છે. આ વીમા યોજના હેઠળ તમે વાર્ષિક ફકત ૧૨ રૂપિયા જમા કરાવીને ૨ લાખ રૂપિયાનો એકસીડન્ટલ વીમો મેળવી શકો છો.

આ યોજના હેઠળ વીમો લેનારનું જો એકસીડન્ટમાં મોત થાય અથવા સંપૂર્ણ પણે અપંગ થાય તો ૨ લાખ રૂપિયા મળે છે. સ્થાયી રૂપે આંશિક અપંગ થાય તો ૧ લાખ રૂપિયા મળે છે. આ સ્કીમનું વાર્ષિક પ્રીમીયમ ફકત ૧૨ રૂપિયા છે. જણાવી દઇએ કે મે મહિનાના અંતમાં તેનું પ્રીમીયમ જમા કરવામાં આવે છે. સૌથી ખાસ વાત એ છે કે તમારા બેંક ખાતામાંથી ૩૧મેએ આ રકમ આપોઆપ કપાઇ જશે. એટલે જો તમે આ વીમા યોજના લીધી હોય તો તમારૃં બેંક બેલેન્સ હોય તે ધ્યાન રાખવું.

કલેમની રકમની ચુકવણી ઘાયલ  અથવા અપંગ થવાની સ્થિતીમાં વીમીત વ્યકિતના ખાતામાં થશે. દુર્ઘટનામાં મોત થાય તો નોમીનીના ખાતામાં જમા થશે. રોડ, રેલ અથવા કોઇ અન્ય એકસીડન્ટ પાણીમાં ડુબવાથી, ગુનામાં સામેલ થવાથી મોતના કિસ્સામાં પોલીસ રિપોર્ટ કરાવવો જરૂરી છે. સાપ કરડવાથી, વૃક્ષ પરથી પડવા જેવી દુર્ઘટનામાં કલેમ હોસ્પિટલના રેકોર્ડના આધાર પર મળશે.

(12:48 pm IST)