Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

ગોવાએ બનાવ્યો પાટલી બદલુઓનો રેકોર્ડઃ પાંચ વર્ષમાં ૬૦ ટકા ધારાસભ્યોએ પક્ષ બદલ્યો

૪૦ સભ્યોની વિધાનસભાના ૨૪ ધારાસભ્યોએ છેલ્લાં પાંચ વર્ષમાં પક્ષપલટો કર્યો

પણજી, તા.૨૪: ધ અસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સના એક રિપોર્ટમાં જણાવાયું છે કે ગોવાએ આ મામલે એક નોખો રેકોર્ડ બનાવ્યો છે જે ભારતીય લોકશાહીના  ઇતિહાસમાં અભૂતપૂર્વ છે. ગોવામાં વિધાનસભાની ચૂંટણી માટે ૧૪ ફેબ્રુઆરીએ મતદાન થશે.

આ રિપોર્ટમાં જણાવાયું છે કે 'અત્યારની વિધાનસભા (૨૦૧૭-૨૦૨૨)ની પાંચ વર્ષની મુદતમાં ઓછામાં ઓછા ૨૪ ધારાસભ્યોએ તેમની પાર્ટી બદલી છે, જે વિધાનસભાના સભ્યોની કુલ સંખ્યાના ૬૦ ટકા થાય. ઇન્ડિયામાં બીજે કયાંય પણ એમ બન્યું નથી, જે મતદાતાઓના ચુકાદાનું સ્પષ્ટપણે અપમાન છે.'

આ રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ૨૪ ધારાસભ્યોના આ લિસ્ટમાં વિશ્વજિત રાણે, સુભાષ શિરોડકર અને દયાનંદ સોપટેનાં નામ સામેલ કરવામાં આવ્યાં નથી કે જેમણે ૨૦૧૭માં કોંગ્રેસના ધારાસભ્યો તરીકે રાજીનામાં આપ્યાં હતાં અને ચૂંટણી લડતા પહેલાં શાસક બીજેપીમાં જોડાયા હતા.

૨૦૧૯માં કોંગ્રેસના દસ ધારાસભ્યો બીજેપીમાં જતા રહ્યા હતા, જેમાં એ સમયના વિપક્ષ નેતા ચન્દ્રકાંત કાવલેકર પણ સામેલ છે. એ સિવાય બીજેપીમાં જોડાનારા કાઙ્ખન્ગ્રેસના અન્ય ધારાસભ્યોમાં જેનિફર મોન્સેરાટે, ફ્રાન્સિસ્કો સિલ્વેરિયા, ફિલિપનેરી રોડ્રિગ્સ, વિલ્ફ્રેડ નાઝારેથ મેનિનો ડીઝા, કલાફાસિઓ ડાયસ, એન્ટોનિયો કારાનો ફનર્િાન્ડઝ, નીલકંઠ હલર્નકર, ઇસિડોર ફનર્િાન્ડઝ, અતાનાસિઓ મોન્સેરાટે સામેલ છે.

મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટીના ધારાસભ્યો દીપક પુષ્કર અને મનોહર અજગાંવકર પણ એ જ સમયગાળા દરમ્યાન બીજેપીમાં જતા રહ્યા હતા.

ગોવા ફોરવર્ડ પાર્ટીના જયેશ સલગાંવકર પણ બીજેપીમાં જોડાયા હતા.

તાજેતરમાં ગોવાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના ધારાસભ્ય રવિ નાયક શાસક કેસરિયા પાર્ટીમાં જોડાયા હતા.

અન્ય ભૂતપૂર્વ સીએમ અને કોંગ્રેસ લીડર લુઇઝિન્હો ફાલેરો તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા.

૨૦૧૭માં નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીની ટિકિટ પરથી જિતનારા ચર્ચિલ એલેમાઓ પણ તાજેતરમાં ટીએમસીમાં જોડાયા હતા.

કોંગ્રેસના એમએલએ એલેકસો લોરેન્કો પણ મમતા બેનરજીની પાર્ટીમાં જોડાયા હતા. જોકે લોરોન્કોએ ટીએમસીમાંથી પણ રાજીનામું આપ્યું અને તેમની પાર્ટીમાં પાછા જતા રહેવા ઇચ્છે છે. જોકે તેમને પાછા લેવામાં આવતા નથી.

એમએલએ વિલફ્રેડ ડિઝા ૨૦૧૯માં કોંગ્રેસ છોડીને બીજેપીમાં જોડાયા હતા, હવે તેમણે શાસક પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે અને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.

બીજેપીના ધારાસભ્યોએ પણ તેમની પાર્ટી છોડી છે. જેમાં એમજીપીમાં જોડાનારા પ્રવીણ ઝેનટીએ, કોંગ્રેસમાં જોડાનારા માઇકલ લોબો, કોંગ્રેસમાં જોડાનારા જોસ લુઇસ કાર્લોસ જયારે આમ આદમી પાર્ટીમાં જોડાનારા એલિના સલદનહા સામેલ છે. 

પક્ષપલટાની આ સિચ્યુએશનના કારણે જ ગોવામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી મજેદાર બની છે.

(2:38 pm IST)