Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

હવે... પંજાબમાં કોરોના રિટર્ન્સ

મુખ્યમંત્રીએ યોજી હાઇલેવલની બેઠક : કડક આદેશ આપ્યા

નવી દિલ્હી તા. ૨૪ : દેશમાં કોરોના વાયરસના કેસમાં ધીમે ધીમે ફરી વધારો જોવા મળી રહ્યો છે. સૌથી વધારે ચિંતા મહારાષ્ટ્રએ વધારી છે જયાં કોરોના વાયરસની પરિસ્થિતિ બેકાબૂ હોય તેવી પરિસ્થિતિ છે. જોકે હવે વધુ એક રાજયએ વધતાં કેસને જોતાં પહેલી માર્ચથી નવી ગાઈડલાઇન લાગુ કરી દેવાનો નિર્ણય કર્યો છે. પંજાબમાં વધતાં કેસને જોતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પંજાબમાં હવે ઈન્ડોર જગ્યાઓ પર ૧૦૦થી વધારે લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જયારે ખુલ્લી જગ્યા પર ૨૦૦ લોકોને ભેગા થવાની પરવાનગી આપવામાં આવશે. સરકારે બધા જ ડિસ્ટ્રિકટ કમિશનરને આદેશ આપ્યા છે કે તે પોતાના જિલ્લાઓમાં હોટસ્પોટ વિસ્તારોને અંકિત કરે છે અને જરૂર પડે તો નાઈટ કફર્યૂ પણ લગાવી શકાય છે.

નોંધનીય છે કે પંજાબ સરકાર દ્વારા હાઇલેવલ બેઠક કરવામાં આવી હતી જેમાં રાજયના મુખ્યમંત્રીએ કોરોના વાયરસની પરિસ્થિતિ પર ચર્ચા કરી. તેમણે કહ્યું કે કોરોના વાયરસ તેજીથી ફેલાઈ રહ્યો છે. પંજાબમાં દરરોજ ૩૦ હજાર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ સિવાય તંત્રને સૂચના આપવામાં આવી છે કે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરાવવામાં આવે.

અમરિન્દર સિંહે કહ્યું કે સ્થાનિક તંત્ર કોરોના વાયરસના કેસ પર નજર રાખે અને સિનેમાઘરોને લઈને પહેલી માર્ચે નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યું કે પ્રાઇવેટ ઓફિસ અને રેસ્ટોરન્ટના બધા જ કર્મચારીઓએ કોરોના વાયરસ ટેસ્ટ કરાવવો જોઈએ. મુખ્યમંત્રીએ રાજયમાં ૧૦૦ ટકા સ્વાસ્થ્ય કર્મીઓને કોરોના વાયરસની રસી આપવામાં આવે તે માટે નિર્દેશ આપી દીધા છે. આ સિવાય વરિષ્ઠ નાગરિકોને રસી માટે સ્વાસ્થ્ય મંત્રાલયને યોજના બનાવવા માટે કહેવામાં આવ્યું છે.

(11:46 am IST)