Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

બિહાર વિધાનસભા સદનમાં વિપક્ષ મર્યાદા ભૂલ્યો : મારામારીના વરવા દ્રશ્યો

વિશેષ સશસ્ત્ર પોલીસ બીલને લઇને ભારે હંગામો : વિધેયક પસાર કરવામાં સરકાર સફળ : આરજેડી ધારાસભ્ય ભાઇ વિરેન્દ્રએ સદન સ્થગીત સમયે પોતાને અધ્યક્ષ જાહેર કરી બીલ ફગાવેલ !!

બિહાર વિધાનસભામાં વિશેષ સશસ્ત્ર પોલીસ બિલ પર ચર્ચા ઉગ્ર બની ગઈ હતી. વિરોધપક્ષના સભ્યો અને વિધાનસભાના સુરક્ષાબળોની વચ્ચે જબરજસ્ત ઘર્ષણ જોવા મળ્યું હતુ. સોશિયલ મીડિયામાં શેયર કરવામાં આવેલા કેટલાક વીડિયોમાંમુરક્ષાકર્મીઓ વિપક્ષના સભ્યોને ધક્કા મારીને - ઘસડીને વિધાનસભામાંથી બહાર કાઢી મૂકતાં જોવા મળ્યા હતા. પોલીસકર્મીઓ તેમજ અન્યો પણ તેમને લાતો-મુક્કા મારતાં પણ જોઈ શકાતા હતા. સૂત્રો જણાવે છે કે, વિધાનસભાના અધ્યક્ષની ચેમ્બરની બહાર મારામારી થઈ હતી. વિધાનસભા ગૃહમાં પ્રસ્તાવ પાસ કરાવવા દરમિયાન વિપક્ષના કેટલાક એમએલએ અધ્યક્ષની ખુરશી સુધી પહોંચી ગયા હતા અને તેમના હાથમાંથી બિલ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. વિધાનસભા અધ્યક્ષને ચેમ્બરમાંથી બહાર કાઢવા માટે પટનાના ડીએમ-એસએસપીને આવવું પડ્યું હતુ. કેટલાક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વિરોધપક્ષના સભ્યોએ સ્પીકરને તેમની ચેમ્બરમાં જ બંધક બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે સુરક્ષાકર્મીઓ તેમને હટાવવા ગયા ત્યારે તેમની સાથે મારામારી શરૂ કરી દીધી. જેના કારણે તેમને ધક્કામારીને-ઘસડીને વિધાનસભામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આખરે વિરોધ- વિવાદ વચ્ચે બિલને પાસ કરી દેવામાં આવ્યું હતુ. વિધાનસભાની બહાર રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના કાર્યકર્તાઓએ યોજેલી રેલી પર સુરક્ષાકર્મીઓએ લાઠી ચાર્જ કયો હતો.

(4:14 pm IST)