Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો ઘટાડો

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં ઘટાડાની અસર સ્થાનિક બજારમાં જોવા મળી

નવી દિલ્હી, તા.૨૪: પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર થઈ ગયા છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે બુધવારે ઘણા દિવસો બાદ સામાન્ય જનતાને રાહત આપતાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. ઓઇલ કંપનીઓએ ૨૪ દિવસ પેટ્રોલ-ડિઝલની કિંમત સ્થિર રાખ્યા બાદ તેના ભાવ ઘટાડ્યા છે. આજે પેટ્રોલની કિંમતમાં ૧૮ પૈસા અને ડીઝલની કિંમતમાં ૧૭ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડા બાદ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ ૯૦.૯૯ રૂપિયા અને એક લીટર ડીઝલનો ભાવ ૮૧.૩૦ રૂપિયા થઈ ગયો છે. મૂળે, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં ઘટાડાની અસર સ્થાનિક બજારમાં જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલનો ભાવ ૧૫ દિવસમાં ૧૦ ટકા ગગડી ગયો છે. યૂરોપમાં કોરોનાની ત્રીજી લહેરના કારણે ત્યાં ઈંધણની માંગમાં ઘટાડાની શકયતા છે. તેને કારણે કાચા તેલની કિંમત ૭૧ ડોલર પ્રતિ બેરલની ઊંચાઈથી ઘટીને ૬૪ ડોલર પ્રતિ બેરલ પર આવી ગઈ છે.

જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ

દિલ્હી- પેટ્રોલ ૯૦.૯૯ રૂપિયા અને ડીઝલ ૮૧.૩૦ રૂપિયા પ્રતિ લીટર છે.

મુંબઈ- પેટ્રોલ ૯૭.૪૦ રૂપિયા અને ડીઝલ ૮૮.૪૨ રૂપિયા પ્રતિ લીટર છે.

કોલકાતા- પેટ્રોલ ૯૧.૧૮ રૂપિયા અને ડીઝલ ૮૪.૧૮ રૂપિયા પ્રતિ લીટર છે.

ચેન્નઈ- પેટ્રોલ ૯૨.૯૫ રૂપિયા અને ડીઝલ ૮૬.૨૯ રૂપિયા પ્રતિ લીટર છે.

(10:42 am IST)