Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

અમદાવાદ સીરિયલ બ્લાસ્ટઃ આતંકવાદી સલમાનની રાજસ્થાનથી ધરપકડઃ પૂછપરછ માટે ગુજરાત લવાયો

અમદાવાદ, તા. ર૪ :  વર્ષ ૨૦૦૮માં સિરીયલ બ્લાસ્ટના મામલે ક્રાઇમ બ્રાન્ચે સલમાન નામના આતંકીની રાજસ્થાનથી ધરપકડ કરી છે. જેને અમદાવાદ લાવવામાં આવ્યો છે. બ્લાસ્ટ કેસમાં સલમાનની મહત્વની ભૂમિકા હતી.

૨૬ જુલાઈ ૨૦૦૮ના રોજ અમદાવાદ શહેરમાં એક બાદ એક સાંજના સમયે અલગ અલગ વિસ્તારમાં ૨૧ જેટલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આ ઘટનાએ શહેરને રકત રંજીત કરી નાંખ્યુ હતુ. જેમાં ૫૬ લોકોના મોત અને ૨૦૦થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અમદાવાદ બ્લાસ્ટ કેસમાં સલમાનની મહત્વની ભૂમિકા હતી. ત્યારે હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આતંકી સલમાનની જયપુરથી ટ્રાન્સફર વોરન્ટથી ધરપકડ કરી છે. હાલ તેને રાજસ્થાનથી અમદાવાદ લાવવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે બ્લાસ્ટ મામલે પૂછપરછ શરૂ કરાઈ છે. સલમાને બ્લાસ્ટ કેસમાં સમગ્ર ષડયંત્ર ઘડ્યું હતું.

સલમાન અમદાવાદના બ્લાસ્ટ જ નહીં પરંતુ જયપુર બ્લાસ્ટ કેસનો પણ આરોપી છે. આતંકી સલમાને બ્લાસ્ટ માટે સૌથી પહેલા દાણીલીમડાની અલમોહંમદી સોસાયટીમાંથી બોમ્બ મેળવ્યો હતો. ત્યારબાદ તે રાયપુર ખાડિયા બોમ્બ મૂકવા ગયો હતો. અમદાવાદ બ્લાસ્ટમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં સલમાનની મહત્વની ભૂમિકા હતી. બોમ્બ ક્યારે મૂકવો, કયા સમયે મૂકવો, કઈ જગ્યાએ મૂકવો અને બોમ્બ કેટલી તીવ્રતાથી ફૂટશે અને તેની કેટલી અસર થશે તેની તમામ માહિતી સલમાન પાસે હતી. સલમાન ઉત્તરપ્રદેશના આઝમગઢના સાંઝાપુરનો રહેવાસી છે. હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કોર્ટમાં તેના રિમાન્ડ મેળવશે તેના બાદ તેની પૂછપરછ કરવામાં આવશે.

(3:23 pm IST)