Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

મણિપુરમાં ફરી ફાયરિંગ: વધારાના સુરક્ષા દળોએ કમાન સંભાળી

પશ્ચિમ ઈમ્ફાલના અવાંગ સેકમાઈ અને પડોશી લુવાંગસાંગોલ ગામોમાંથી ભારે ગોળીબાર: એક સમુદાયના સભ્યો કાંગપોકપી જિલ્લામાં ઊંચાઈવાળા સ્થળેથી નીચે ઉતર્યા અને હરીફ જૂથ પર ગોળીબાર શરૂ કરી દીધો.

મણિપુરમાં ફરી એકવાર ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ગોળીબાર મણિપુરમાં જાતિ હિંસાથી પ્રભાવિત વિસ્તાર પશ્ચિમ ઇમ્ફાલમાં થયો હતો. ગોળીબાર બાદ અહીં વધારાના સુરક્ષા દળો મોકલવામાં આવ્યા છે, જો કે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.

   મણિપુરમાં મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે શરૂ થયેલી જાતિય હિંસાનો અંત આવી રહ્યો નથી. આ હિંસામાં અત્યાર સુધીમાં 200 થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો બેઘર બન્યા છે અને ભાગી જવાની ફરજ પડી છે. સોમવારે મોડી સાંજે અહીં ફરી ફાયરિંગનો મામલો સામે આવ્યો છે. સુરક્ષા દળોએ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, હાલમાં બંને જૂથો વચ્ચેના આ અથડામણમાં કોઈ જાનહાનિની માહિતી નથી

   પોલીસના જણાવ્યા અનુસાર પશ્ચિમ ઈમ્ફાલના અવાંગ સેકમાઈ અને પડોશી લુવાંગસાંગોલ ગામોમાંથી ભારે ગોળીબારના અહેવાલ છે. આ ઘટના ત્યારે બની જ્યારે એક સમુદાયના સભ્યો કાંગપોકપી જિલ્લામાં ઊંચાઈવાળા સ્થળેથી નીચે ઉતર્યા અને હરીફ જૂથ પર અચાનક ગોળીબાર શરૂ કરી દીધો. જવાબમાં અન્ય સમુદાયોએ પણ ગોળીબાર કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, અચાનક ગોળીબારથી ગભરાઈ ગયેલા ગ્રામજનો સલામત સ્થળે ગયા અને સામુદાયિક ઈમારતોમાં આશરો લીધો.

(12:10 am IST)