Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

ઈઝરાયેલ સાથે ઇરાનના યુદ્ધની સ્થિતિ સર્જાતા બે કટ્ટર દુશ્મન દેશ ઈરાન અને પાકિસ્તાન મિત્ર બની ગયા

એક મહિના અગાઉ જ બન્ને દેશોએ એકબીજા પર એરસ્ટ્રાઈક કરી હતી.

ઈઝરાયેલ સાથે ઈરાનના યુદ્ધની સ્થિતિ વચ્ચે બે કટ્ટર દુશ્મન દેશ ઈરાન અને પાકિસ્તાન હવે મિત્ર બની ગયા છે. જ્યારે આ બન્ને દેશ વચ્ચે એવી ભયાનક દુશ્મની હતી કે એકબીજા પર હવાઈ હુમલા કર્યાં હતા. એક મહિના અગાઉ જ બન્ને દેશોએ એકબીજા પર એરસ્ટ્રાઈક કરી હતી.

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધ બાદ આ બંને દેશો ફરી મિત્ર બની ગયા છે. ઈરાનને ઈઝરાયેલ સાથે સ્પર્ધા કરવા માટે પાકિસ્તાનની મદદની જરૂર પડી શકે છે. તે એક પરમાણુ સશસ્ત્ર દેશ છે. ઈરાન પાસે પરમાણુ બોમ્બ નથી. જ્યારે ઈઝરાયેલ પાસે પરમાણુ બોમ્બનો મોટો ભંડાર છે.

ઈઝરાયેલ સાથે યુદ્ધ બાદ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીએ ઓચિંતા જ 3 દિવસની પાકિસ્તાનની મુલાકાત લીધી અને ફરી મિત્રતાનો પાયો નાખ્યો. રાયસી પાકિસ્તાનની ત્રણ દિવસની પ્રથમ મુલાકાત પૂરીકરીને બુધવારે સ્વદેશ પરત ફર્યા હતા. આ દરમિયાન, તેમણે આતંકવાદનો સામનો કરવા અને દ્વિપક્ષીય વેપાર સંબંધોને મજબૂત કરવા આર્મી ચીફ સહિત દેશના ટોચના નેતૃત્વ સાથે વાટાઘાટો કરી હતી.

8મી ફેબ્રુઆરીની સામાન્ય ચૂંટણીઓ બાદ કોઈ રાષ્ટ્રપ્રમુખની પાકિસ્તાનની આ પ્રથમ મુલાકાત હતી. બંને પક્ષોએ 8 MoU પર હસ્તાક્ષર કર્યા હતા, આગામી વર્ષોમાં વ્યાપારને 10 બિલિયન ડોલર સુધી વિસ્તરણ કરવાનું વચન આપ્યું. અત્રે ઉલ્લેખનીય ગયા મહિને બન્ને દેશોએ એકબીજા પર એરસ્ટ્રાઈક કરી હતી.

ઈરાનને ઈઝરાયલ સાથેના યુદ્ધના સમયમાં જેટલી પાકિસ્તાનની જરૂર છે એટલી જ પાકિસ્તાનને આર્થિક સંકટના સમયે ઈરાનની પણ જરૂર છે. માટે બંને દેશોએ ફરીથી મિત્રતા તરફ પગલાં લીધાં છે, બંને પાડોશી દેશો વચ્ચેના વેપાર અવરોધોને દૂર કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં રાયસીએ કહ્યું કે તેહરાન ઉદ્યોગ, વિજ્ઞાન અને તકનીકમાં પાકિસ્તાન સાથે સહયોગ કરવા તૈયાર છે.

(11:49 pm IST)