Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

સોનિયા ગાંધીએ પાર્ટીના વરિષ્ઠ નેતાઓની વર્ચ્યુઅલ બેઠક બોલાવી

પેટ્રોલ - ડીઝલનો ભાવ વધારો, મોંઘવારી સહિતના મુદ્દે સરકાર સામે બાંયો ચડાવવાની તૈયારી : આગામી વિધાનસભા ચૂંટણી અંગે પણ ચર્ચા

નવી દિલ્હી તા. ૨૪ : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો અને અમુક અન્ય મુદ્દાઓ પર સરકારને ઘેરવા માટે રણનીતિ પર ચર્ચા કરવા માટે આજે વરિષ્ઠ નેતાઓની બેઠક બોલાવી છે. આ બેઠકમાં પાર્ટીના મહાસચિવો અને પ્રદેશ પ્રભારી સામેલ થઈ શકે છે. આ ડિજિટલ બેઠકમાં કોંગ્રેસના નેતા પાર્ટીના પ્રસ્તાવિત સંપર્ક અભિયાન પર પણ ચર્ચા કરી શકે છે.

આ બેઠકમાં પેટ્રોલ-ડીઝલ અને જરૂરી ખાદ્ય વસ્તુઓની કિંમતોમાં વધારાના સંદર્ભમાં આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં કોવિડની હાલની પરિસ્થિતિ અને આર્થિક સ્થિતિ પર પણ ચર્ચા થઈ શકે છે. બેઠક બાદ પ્રદેશ કોંગ્રેસ કમિટિઓના અધ્યક્ષોની પણ બેઠક બોલાવવામાં આવશે.

સોનિયા ગાંધીએ પાર્ટીના વરિષ્ઠ નેતાઓની સાથે આ બેઠક સંસદના મોનસુન સત્ર પહેલા બોલાવી છે. મોનસુન સત્ર જુલાઈમાં થઈ શકે છે. કોંગ્રેસ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારાના મુદ્દાને લઈને પાછલા અમુક અઠવાડીયાથી સરકાર પર સતત હુમલો કરી રહી છે. હાલમાં જ પેટ્રોલ-ડીઝલની કિંમતોની વિરૂદ્ઘ કોંગ્રેસે દેશવ્યાપી પ્રદર્શન કર્યું હતું. પરંતુ પેટ્રોલ-ડીઝલની કિંમતો સતત વધી રહી હોવાના કારણે ઘણા રાજયોમાં પેટ્રોલ ૧૦૦ને પાર થઈ ગયું છે. એવામાં કોંગ્રેસ ફરી એક વખત રસ્તાઓ પર ઉતરવાની તૈયારી કરી રહી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર કોરોના સંક્રમણને લઈને કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલા સર્વેને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય મુદ્દાઓ અને રાજનૈતિક પરસ્થિતિઓને લઈને વિચાર કરવામાં આવશે જેમાં આગામી વિધાનસભા ચૂંટણી જેવા મુદ્દા પણ સામેલ હશે.

(3:19 pm IST)