Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

મહારાષ્ટ્રના તમામ પોલીસ સ્ટેશન હાઈ એલર્ટ પર :શિવસૈનિકો રસ્તા પર ઉમટી પડે તેવી આશંકા

મુંબઈમાં પોલીસ પ્રશાસનને ખાસ તકેદારી રાખવાનું કહેવામાં આવ્યું

મુંબઈ : મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણી બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ હજુ અટકવાનું નામ નથી લઈ રહ્યું. સીએમ ઉદ્ધવ ઠાકરે અને બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદ બંને એકબીજાને પોતાની તાકાત બતાવવામાં વ્યસ્ત છે. આ દરમિયાન શુક્રવારે મહારાષ્ટ્ર પોલીસે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોને હાઈ એલર્ટ પર રહેવાનો આદેશ આપ્યો છે. મુંબઈમાં પોલીસ પ્રશાસનને ખાસ તકેદારી રાખવાનું કહેવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રમાં હજુ પણ રાજકીય વિખવાદ ચાલું છે. ઉદ્ધવ સરકારનું ભવિષ્ય શું હશે તે એક મોટો પ્રશ્ન છે કારણ કે પાર્ટીના ઘણા ધારાસભ્યો એકનાથ શિંદે કેમ્પમાં ગયા છે. આ દરમિયાન પોલીસ પ્રશાસને રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોને હાઈ એલર્ટ પર મુકી દીધા છે. પોલીસને માહિતી મળી હતી કે શિવસૈનિકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી શકે છે. રાજ્યમાં શાંતિ ડહોળાય નહીં તે માટે પોલીસને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે.

આ પહેલા ગુરુવાર અને શુક્રવારના રોજ શિવસૈનિકોએ એકનાથ શિંદેના પક્ષ વિરુદ્ધ બળવો કરવાના વિરોધમાં ઘણી જગ્યાએ જોરદાર દેખાવો કર્યા હતા. શુક્રવારે શિવસૈનિકોનું વલણ આક્રમક બની ગયું હતું. નાસિકમાં શિવસેનાના કેટલાક કાર્યકરોએ એકનાથ શિંદેના પોસ્ટરને કાળો રંગ લગાવ્યો તેમજ તેમના ફોટા પર ઈંડા પણ ફેંક્યા. આ પહેલા શુક્રવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના જિલ્લા પ્રમુખોની બેઠક યોજી હતી. આ વર્ચ્યુઅલ મીટિંગમાં તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે ગુવાહાટીમાં હાજર ધારાસભ્યો પાર્ટી તોડવા માંગે છે. તો શિવસૈનિકોના વધી રહેલા વિરોધને જોતા મહારાષ્ટ્ર પોલીસ સતર્ક છે. મહારાષ્ટ્ર પોલીસે મુંબઈના તમામ પોલીસ સ્ટેશનોને ખાસ કરીને વધુ સાવચેતી સાથે સતર્ક રહેવા જણાવ્યું છે. પોલીસને એવી માહિતી મળી હતી કે શિવસૈનિક બળવાનો વિરોધ કરવા મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી શકે છે.

(9:12 pm IST)