Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

ગુજરાતની કંપનીના વેન્ટિલેટર્સને સ્વાસ્થ્ય મંત્રાલયની મંજૂરી નહોતી

૨૦ જુલાઈ સુધી મંત્રાલયની મંજૂરી ન હતી : આરટીઆઈ : પીએમ કેર્સ ફંડમાંથી જ્યોતિ સીએનસી ઓટોમેશન કંપની પાસેથી વેન્ટિલેટર્સ ખરીદવાના હતાં પણ મંજુરી ન અપાઈ

નવી દિલ્હી, તા. ૨૩ : સ્વાસ્થ્ય મંત્રાલયને ગુજરાત સ્થિત જ્યોતિ સીએનજી ઓટોમેશન નામની કંપનીને કોવિડ-૧૯ના ઉપચાર માટે વેન્ટિલેટર પહોંચાડવાની મંજૂરી આપી નથી. માહિતી અધિકાર કાનૂન (આરટીઆઈ)માંથી પ્રાપ્ત થયેલા દસ્તાવેજો અનુસાર ખબર પડી છે કે સ્વાસ્થ્ય મંત્રાલયના સ્વાસ્થ્ય મહાનિર્દેશાલય દ્વારા ગઠિત એક ટેકનીકલ સમિતિએ ૨૦મી જુલાઈ સુધી આ કંપની પાસેથી વેન્ટિલેટર લેવાની સિફારિશ કરી નહોતી. ઉલ્લેખનીય છે કે આ કંપનીના વેન્ટિલેટર ખાસ્સા વિવાદોમાં રહ્યાં છે. પીએમ કેર્સ ફંડની રાશિમાંથી જ્યોતિ સીએનસી ઓટોમેશન કંપની પાસેથી વેન્ટિલેટર્સ ખરીદવાના હતાં પણ બાદમાં સ્વાસ્થ્ય મંત્રાલયે તેની મંજૂરી આપી નહોતી. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હોસ્પિટલના સુપ્રિન્ટેડેન્ટ જે.વી. મોદીએ રાજ્ય સરકારને પત્ર લખીને કહ્યું હતું કે, આ વેન્ટિલેટર વાંછિત પરિણામ લાવવામાં સક્ષમ નહોતા. જે કંપની પાસેથી ગુજરાત સરકાર દ્વારા આ મશીન ખરીદવામાં આવ્યાં હતાં તેણે એવો દાવો કર્યો હતો કે તેણે દસ દિવસમાં કોવિડના પેશન્ટો માટે આ વેન્ટિલેટર્સ બનાવ્યાં હતાં. આ વેન્ટિલેટર્સ ડોકટરોના માપદંડમાં ખરા ઉતરતાં નહોતાં. વેન્ટિલેટર બનાવતી આ કંપનીના પ્રમોટર ભાજપના નેતાઓના નજીક હોવાનું મનાય છે.

(12:00 am IST)