Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

ડોનાલ્ડ ટ્રમ્પે પોર્ન સ્ટાર સ્ટોર્મીને ૩૩ લાખ રૂપિયા ચુકવવા પડશે

ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના અફેર વિશેની વાત જાહેર કરવા ના પાડી : ડોનાલ્ડ ટ્રમ્પ પર ૪૧ વર્ષીય સ્ટોર્મી ડેનિયલ્સ દ્વારા કેસ કરવામાં આવ્યો હતો, બાદમાં તેનો કેસ રદ કરાયો હતો : રિપોર્ટ

વોશિંગ્ટન, તા. ૨૩ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક પોર્ન સ્ટારને અંદાજે ૩૩ લાખ રૂપિયા ચૂકવવા પડશે. અમેરિકાની એક કોર્ટે આ આદેશ આપ્યો છે. સ્ટોર્મી ડેનિયલ્સ નામની આ પોર્ન સ્ટારનું કહેવું છે કે, તેનું ટ્રમ્પ સાથે અફેર હતું. જોકે, ટ્રમ્પ આનો ઇનકાર કરતા આવ્યા છે.

એક અગ્રણી ટીવી ચેનલના રિપોર્ટ અનુસાર ટ્રમ્પ પર ૪૧ વર્ષીય સ્ટોર્મી ડેનિયલ્સ દ્વારા કેસ કરવામાં આવ્યો હતો. બાદમાં તેનો કેસ રદ કરાયો હતો. હવે કોર્ટે કહ્યું છે કે ટ્રાયલ દરમિયાન ડેનિયલ્સ દ્વારા ખર્ચવામાં આવેલા નાણાં ટ્રમ્પને ચૂકવવા પડશે.

કેલિફોર્નિયા કોર્ટે ટ્રમ્પને ૩૩ લાખ રૂપિયા ચુકવવાનો આદેશ આપ્યો છે. ડેનિયલ્સના વકીલે કોર્ટના નિર્ણયની જાણકારી આપી. ચુકાદા પછી સ્ટોર્મી ડેનિયલ્સએ ટ્વીટ કર્યું - હા, વધુ એક જીત! ડેનિયલ્સે કહ્યું કે ટ્રમ્પ સાથેના કથિત સંબંધ પછી તેને ચૂપ રહેવા માટે પૈસા આપવામાં આવ્યા હતા. આ માટે સમજૂતી થઈ હતી. તેમને ટ્રમ્પના વકીલ પાસેથી આશરે ૯૭ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. ડેનિયલે દાવો કર્યો હતો કે ૨૦૦૬માં ટ્રમ્પ સાથે તેનું અફેર હતું. જો કે ટ્રમ્પે આ વાતનો વારંવાર ઇનકાર કર્યો છે.

૨૦૧૬માં ટ્રમ્પના વકીલે ડેનિયલ્સને ચૂપ રહેવા ૧ લાખ ૩૦ હજાર ડોલર આપ્યા હતા

પોર્ન સ્ટાર ડેનિયલ્સે અગાઉ કહ્યું હતું કે, હું જુલાઇ ૨૦૦૬માં લેક તાહોઇમાં એક સેલિબ્રિટી ગોલ્ફ ટૂર્નામેન્ટમાં ટ્રમ્પને પહેલીવાર મળી હતી અને ત્યારથી અમારી વચ્ચેનું અફેર શરૂ થયું હતું.

તે સમયે ટ્રમ્પે મેલાનિયા સાથે લગ્ન કર્યાં હતાં, જેણે તેમના પુત્ર બેરોનને જન્મ આપ્યો હતો. ૨૦૧૬ની રાષ્ટ્રપતિની ચૂંટણીના થોડા અઠવાડિયા પહેલા, ટ્રમ્પના લાંબા સમયથી પર્સનલ વકીલ માઇકલ કોહેને ડેનિયલ્સને ૧ લાખ ૩૦ હજાર ડોલર ચૂકવ્યા હતા, જેથી તે આ અફેર વિશે કશું બોલે નહીં.

(12:00 am IST)