Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

કચ્છમાં અવિરત વરસાદથી અતિવૃષ્ટિ સાથે લીલા દુકાળનો ભય

હાઇવે અને ઘરો સહિત ઠેર ઠેર પાણી : સફેદ રણમાં દરિયો : ધોળાવીરામાં ડેમ ફાટયો : વીજળી પડતા ૫ ભેંસોના મોતઃ ૨૪ કલાકમાં અંજારમાં અનરાધાર ૮ ઇંચ, રાપર, ભચાઉમાં ૬ ઇંચ, રાપર, માંડવી, મુન્દ્રા, ભુજમાં ૫ ઇંચ, લખપતમાં ઝરમર, અંજારમાં સવાસર તળાવના વધામણા : ભુજમાં હમીરસર તળાવ ઓવરફલો થવાની ચાતક નજરે જોવાતી રાહ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૪ : ભારે વરસાદની આગાહી વચ્ચે કચ્છને મેઘરાજાએ ધમરોળતા આખુંયે કચ્છ પાણી પાણી થઈ ગયું છે. ભાદરવે જામેલા અષાઢી માહોલ વચ્ચે હવે કચ્છમાં અતિવૃષ્ટિ થતાં લીલા દુકાળનો ભય ઉભો થયો છે.

કચ્છના રાપરથી લઈને ગાંધીધામ, ભુજ, માંડવી સહિતના તમામ શહેરી વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તરોમાં પાણી ભરાતા લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા છે. તો, ભચાઉ-સામખીયાળી નેશનલ હાઇવે, કંડલા, ગાંધીધામ, માંડવી, નખત્રાણા અને ભુજને જોડતા મોટા ભાગના હાઇવે ઉપર પાણી ભરાઈ ગયા છે.

દરમ્યાન ખાવડા અને ખડીર પંથકમાં ભારે વરસાદને પગલે રણમાં પાણી ભરાતા કચ્છના જગવિખ્યાત સફેદરણમાં દરિયો ઘૂઘવી રહ્યો છે.  રાપરના બેલા ગામે વીજળી પડતા એક પાડા સહિત પાંચ ભેંસના મોત નિપજયા હતા. ગઈકાલથી શરૂ થયેલો વરસાદ સતત ચાલુ હોઈ કચ્છમાં મોટા ભાગના વાડી, ખેતરમાં પાણી ફરી વળ્યાં છે.

તે સાથે જ હવે લીલા દુકાળનો ભય ઉભો થયોઙ્ગ છે. કચ્છના મોટાભાગના તળાવો, ડેમોમાં નવા પાણી આવતા ઓગનાઈ ગયા છે. ભારે વરસાદથી ઓગનાઈ જતાં આજે અંજારનું સવાસર તળાવ વધાવાયું છે.

ભુજના ઉપરવાસના ડુંગરોમાં સારા વરસાદને પગલે હમીરસર તળાવમાં પાણીની આવક શરૂ થતાં લોકો હવે હમીરસર તળાવ ઓગનવાની ચાતક નજરે રાહ જોઇ રહ્યા છે.

(10:51 am IST)