Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

અઠવાડિયાથી ઘરમાં કંઈ ખાવાનું નહોતું: ભૂખથી ૫ વર્ષની બાળકીનું મોત

આગ્રા, તા.૨૪: આગ્રામાં ૫ વર્ષની એક બાળકીનું કથિત રીતે ભૂખ અને તાવથી મોત થઈ ગયું. બરોલી અહીર બ્લોકના નાગલા વિધિચંદ ગામમાં રહેનારો સિંહ પરિવાર એક મહિનાથી બેરોજગાર હતો. કામકાજ ઠપ થઈ ગયા હતા અને ઘરમાં એક અઠવાડિયાથી અન્નનો એકપણ દાણો ખાવા માટે નહોતો.

બાળકીની ૪૦ વર્ષની માતા શીલા દેવી ગમે તે કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી હતી. તે કહે છે, હું તેના માટે ખાવાની વ્યવસ્થા ન કરી શકી. તે રોજે-રોજ કમજોર થઈ રહી હતી. તેને ત્રણ દિવસથી તાવ હતો અને હવે મેં તેને ગુમાવી દીધી. શુક્રવારે રાત્રે જ તેમણે બાળકીને દફવાની હતી.

પાડોશી હેમંત ગૌતમે જણાવ્યું કે, સ્થાનિક પ્રશાસને લોકડાઉન સંકટ દરમિયાન પરિવારોને અન્ન આપવામાં મદદ નહોતી કરી. શનિવારે જિલ્લા પ્રશાસને કહ્યું કે, મામલાની તપાસ કરવામાં આવશે, અને કયાં ચૂક થઈ છે તેની તપાસ કરવામાં આવશે. જિલ્લા અધિકારી પ્રભુ એન સિંહે કહ્યું, મામલો અમારા ધ્યાનમાં આવ્યો છે. બાળકીના મોતની તપાસ માટે આદેશ અપાયા છે. ડીએમએ કહ્યું કે, પરિવાર શબને દફનાવી દીધું છે, જે તેમણે નહોતું કરવું જોઈતું. પોસ્ટમોર્ટમથી મોતનું કારણ જાણી શકાયું હોત. જોકે ભૂખથી મોતની સ્થિતિની સ્પષ્ટ વ્યખ્યા હંમેશા મુશ્કેલ કામ રહ્યું છે.

આગરાના ફિઝિશિયન અને સામાજિક કાર્યકર્તા ડો. શરદ ગુપ્તા ભુખમરીને કંઈક આ રીતે બતાવે છે, ભૂખમરીના કેસમાં શરીરમાં સૌથી પહેલા ડિહાઈડ્રેશન થાય છે, પછી ગ્લૂકોઝ લેવલ ઝડપથી દ્યટે છે. શરીરમાં હાઈપોગ્લાઈસેમિયા અને ગાઈપોવોલેમિયાની સ્થિતિ બની જાય છે. ભુખમરીથી શરીરમાં ઈલેકટ્રોલાઈટ ઈમ્બેલેન્સ થઈ જાય છે. આ બધી પ્રક્રિયા બાદ વધારે થાકના કારણે જે વ્યકિત દ્યણા દિવસોથી ભૂખ્યો હોય તેનું કાર્ડિયોરેસ્પાયરેટ્રી અરેસ્ટના કારણે મોત થઈ જાય છે.

(4:17 pm IST)