Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

અનેક માનતા પછી અબૂ યુસૂફનો જન્મ્યો હતો : આઈએસઆઈએસના શકમંદ આતંકી અબૂ યુસૂફના પિતા

અબૂ યુસૂફની ચારમાંથી ત્રણ બહેનના લગ્ન થઈ ગયા : પિતાએ જણાવ્યું કે, અબૂ યુસૂફ આઠ ભાઈ-બહેનમાં મોટો છે, અબૂ યુસૂફના ૨ ભાઈ સાઉદી અરેબિયામાં ડ્રાઇવરનું કામ કરે છે

લખનઉ, તા.૨૪ : દિલ્હીમાંથી ધરપકડ કરવામાં આવેલા ઉત્તર પ્રદેશના બલરામપુર નિવાસી આઈએસઆઈએસના શકમંદ આતંકી અબૂ યુસૂફની પત્ની આયેશાએ સ્વીકાર કર્યો છે કે તેનો પતિ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતો. તેને અનેક વખત સમજાવ્યો હતો, બાળકો સામે જોઈને આવું કરવા માટે પણ કહ્યુ હતુ પરંતુ તે ભટકી ગયો હતો. શકમંદ આતંકીના પિતા કફીલ અહમદે કહ્યું કે અબૂ યુસૂફનો જન્મ અનેક માનતા બાદ થયો હતો. આઠ-ભાઈ બહેનોમાં સૌથી મોટા એવા અબૂ પહેલા તેના પિતાને બે દીકરી હતી, પરંતુ જન્મ બાદ બંનેનાં મોત થયા હતા. જે બાદ અનેક માનતા પછી યુસૂફનો જન્મ થયો હતો, પરંતુ તેણે બાપ દાદાએ મેળવેલી ઇજ્જત પર પાણી ફેરવી દીધું છે. પિતાએ જણાવ્યું કે, અબૂ યુસૂફ ઉર્ફ મુસ્તકીમ આઠ ભાઈ-બહેનમાં સૌથી મોટો છે. અબૂ યુસૂફના બે ભાઈ સાઉદી અરેબિયામાં ડ્રાઇવરનું કામ કરે છે. સૌથી નાનો ભાઈ બેંગલુરુમાં એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે.

          મુસ્તકીમની ચારમાંથી ત્રણ બહેનના લગ્ન થઈ ગયા છે, નાની બહેન ૧૧માં ધોરણમાં અભ્યાસ કરી રહી છે. ૨૦૧૧માં મુસ્તકીમની પાસેના ગામમાં રહેતી આયેશા સાથે લગ્ન થયા હતા, આયેશા આઠમાં ધોરણ સુધી ભણી છે. મુસ્તકીનના ચાર બાળકો છે. સૌથી મોટી સારા તેના પછી સાફિયા પછી ઇબ્રાહિમ અને સૌથી નાનો યૂસુફ છે. મુસ્તકીમના પિતા કફીલે જણાવ્યું કે તેના પ્રથમ બે સંતાન છોકરીઓ હતી, જે વિકલાંગ હતી. થોડા મહિનામાં બંનેનાં મોત થયા હતા. જે બાદમાં ખૂબ બાધા રાખી હતી અને મુસ્તકીમનો જન્મ થયો હતો. પિતાના કહેવા પ્રમાણે તે મુસ્તકીનને ખૂબ ભણાવવા માંગતા હતા, આથી તેણે મુસ્તકીમને તેના મોટા ભાઈ વસીમ પાસે મોકલ્યો હતો, જે બહરાઇચમાં પોલીસ સિપાહી હતા. અહીં મુસ્તકીમે સાતમાં ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. વસીમની બદલી લખનઉ થઈ ત્યારે તે મુસ્તકીમને પણ પોતાની સાથે લઈ ગયો હતો. લખનઉમાં મુસ્તકીમે નવમાં ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. બે વખત નાપાસ થયા બાદ પિતાએ અભ્યાસ છોડાવી દીધોહતો.

(7:08 pm IST)