Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

RC, લાઈસન્સ રિન્યુઅલ ૩૧ ડિસેમ્બર સુધી થઈ શકશે

કોરોના કાળમાં મુદત પૂરી થઈ હોય એવાને રાહત :કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી આરટીઓ કચેરીઓમાં ઓછામાં ઓછી ભીડ એકઠી કરવા સૂચના આપવામાં આવી

નવી દિલ્હી, તા. ૨૪ : કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ફિટનેસ, આરસી, પરમિટ, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે દસ્તાવેજોનાં રિન્યુઅલની માફી ૩૧ ડિસેમ્બર સુધી વધારી દીધી છે. સ્થિતિમાં, જેમના ડ્રાઇવિંગ લાઇસન્સ, પરમિટ વગેરે ડોક્યુમેન્ટની મુદત પુરી થઈ છે, તેઓને ૩૧ ડિસેમ્બર સુધીની મુદ્દત આપવામાં આવી છે. અગાઉ અંતિમ તારીખ સપ્ટેમ્બર સુધી હતી.

કોરોના લોકડાઉન દરમિયાન કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે એક આદેશ જારી કર્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે સમયસીમા સમાપ્ત થયેલ ડ્રાઇવિંગ લાઇસન્સ, આરસી, ફિટનેસ સર્ટીફિકેટ, તમામ પ્રકારના પરમિટ અને અન્ય સંબંધિત દસ્તાવેજોની માન્યતા ૩૦ જૂન ૨૦૨૦ સુધી વધારી દેવામાં આવી છે. પછી સરકારે સમયમર્યાદા સપ્ટેમ્બર અને હવે ડિસેમ્બર સુધી લંબાવી છે.

કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને, કચેરીઓમાં ઓછામાં ઓછી ભીડ એકત્રીત કરવા સૂચના આપવામાં આવી છે. લોકડાઉન અને કલમ ૧૪૪ હજી પણ ઘણી જગ્યાએ છે, દસ્તાવેજોના નવીકરણની કામગીરીને અસર થઈ છે. તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તેના નવીકરણની છેલ્લી તારીખ વધારવાનો નિર્ણય લીધો છે.

(9:17 pm IST)