Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

વિશાખાપટ્ટનમ નેવી જાસૂસી કાંડમાં કચ્છના જીઆરડી અને પોલીસ જવાન NIAનાં રડારમાં : અબડાસા,ગાંધીધામમાં તપાસનો ધમધમાટ

(ભુજ)  આતંકી ગતિવિધિ ઉપર નજર રાખતી તપાસ સંસ્થા નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની એક ટીમ સરહદી જિલ્લા કચ્છમાં તાજેતરમાં જ તપાસ કરી ગઈ છે. નેવીનાં જવાનોને સાંકળતા એક જાસૂસી પ્રકરણમાં આ ટીમ કચ્છમાં આવી હતી. જેમાં અત્યાર સુધી અબડાસા તાલુકાનાં ત્રણેક વ્યક્તિ ઉપરાંત ગૃહ રક્ષક દળ(GRD)નાં એક જવાન સહિત પશ્ચિમ કચ્છ પોલીસનાં એક એએસઆઈની પણ આ સંદર્ભે પૂછપરછ કરવામાં આવતા કચ્છ પોલીસ ઉપરાંત અહીંની ઇન્ટેલિજન્સ એજન્સીઓ પણ હરકતમાં આવી ગઈ છે. પૂર્વમાં આવેલા વિશાખાપટ્ટનમ નેવી જાસૂસી કાંડનો રેલો પશ્ચિમમાં છેક કચ્છ સુધી લંબાતા હવે આ પ્રકરણમાં થોડા દિવસોમાં કોઈ મોટા ખુલાસા થાય તેવી સંભાવના છે.

અબડાસા તાલુકાનાં પધ્ધરવાડી અને બરંદા ગામનાં જે વ્યક્તિઓની ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી છે તેમાં દયાપરનાં જીઆરડીનાં લુહાર અટકવાળા એક જવાન અને પશ્ચિમ કચ્છ પોલીસમાં નખત્રાણા પોલીસ મથકમાં કાર્યરત એવા એએસઆઈ દામજીભાઈ બલિયાની પણ રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા પૂછપરછ કરવામાં આવી હોવાની વાત બહાર આવી છે. ચાલુ વર્ષની શરૂઆતમાં જ આંધ્રપ્રદેશ એટીએસની ટીમ વિશાખાપટ્ટનમ નેવી જાસૂસી કાંડ મામલે કચ્છમાં આંટો મારી ગઈ હતી. ત્યારબાદ હવે આ કેસમાં એ એનઆઈએની એન્ટ્રી થતા તાજેતરમાં જ તેની એક ટીમ કચ્છ આવી હતી. અબડાસા તાલુકામાં આવેલી એક સિમેન્ટ કંપનીમાં કામ કરતા પધ્ધરવાડી અને બરંદા ગામનાં બે યુવાનની તપાસ કરવામાં આવી હતી. જેમાં પધ્ધરવાડી ગામનાં વીપીન ધનજી ભટ્ટ નામનાં યુવાનના બેન્ક ઓફ ઇન્ડિયાના વાયોર બ્રાન્ચનાં એકાઉન્ટની તપાસ કરવામાં આવી હતી. વીપીનના ખાતામાં બરંદા ગામનાં રફીક લુહાર નામનાં વ્યક્તિએ પાંચ હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. રફીકે આ રૂપિયા તેના એક ગાંધીધામનાં ઓળખીતા અલી અકબર નામનાં વ્યક્તિ દ્વારા ટ્રાન્સફર કરાવ્યા હતા. જોકે, રૂપિયા ટ્રાન્સફર કર્યા પછી એક જ દિવસમાં રફીક તે નાણાં વીપીન પાસેથી પાછા પણ લઈ ગયો હતો. જેનો અર્થ એવો થાય કે તે વીપીનનું એકાઉન્ટ ચેક કરવા માંગતો હતો. રફીક અને જીઆરડીનો જવાન સગામાં હોવાને કારણે તથા પશ્ચિમ કચ્છ પોલીસનાં એએસઆઈની સાથે જીઆરડીના જવાનની વાતચીત થતી હોવાનું ધ્યાનમાં આવતા નોટિસ આપીને એએસઆઈની પણ પૂછપરછ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.

આમ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા સમગ્ર પ્રકરણમાં પોલીસ અને જીઆરડીની તપાસ ઉપરાંત હવાલા દ્વારા આપ લે કરવામાં આવતા નાણાંની તપાસ ચાલી રહી છે ત્યારે નેવીનાં જાસૂસી કાંડમાં કચ્છમાંથી કાંઈક નવાજુની બહાર આવે તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે.

ગાંધીધામ બેન્સામાં કામ કરતો અલી પણ શંકાના દાયરામાં

સુત્રોનું માનીએ તો વીપીનના ખાતામાં આવેલા જે પાંચ હજાર રૂપિયાની તપાસ NIA કરી રહી છે તે રફીકનાં એક ભાઈ અલીએ ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. અલી પહેલા ગાંધીધામમાં લાકડાનાં બેન્સામાં કામ કરતો હતો. અને ત્યાંથી તે અવાર નવાર આ રીતે નાણાં ઓનલાઈન ટ્રાન્સફર કરતો હતો. હાલ અલી, રફીક અને વીપીન વાયોર પાસે આવેલી અલ્ટ્રાટેક નામની સિમેન્ટ કંપનીમાં કામ કરતા હોવાનું ધ્યાનમાં આવેલું છે. સિમેન્ટ કંપનીમાં કામ કરતી વેળાએ જ વીપીન, અલી અને રફીકનાં કોન્ટેકટમાં આવ્યો હતો. આ પહેલા પણ રફીકે વીપીનને ઓનલાઈન રૂપિયા આપ્યા હોવાનું તેણે નિવેદનમાં જણાવેલું છે. વીપીનનાં એકાઉન્ટ મારફતે મુંબઇ ખાતે કોઈ મહિલાનાં ખાતામાં રૂપિયા મોકલવાની વાત બહાર આવી રહી છે. જોકે હાલનાં તબક્કે મામલો બહુ ગંભીર અને રાષ્ટ્રીય સૂરક્ષા સાથે સંકળાયેલો હોવાને લીધે કોઈ મગનું નામ મરી પાડવા તૈયાર નથી.

(11:21 pm IST)