Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

ચૌદ વર્ષ પછી ઉત્પાદકોએ માચિસની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય લીધો

હવે રૂ.૧માં નહીં મળે માચિસનું બોકસઃ બે રૂપિયામાં મળશે

કાચા માલ અને ડીઝલની કિંમતમાં વધારો થવાને કારણે ઉત્પાદન મોંઘુ થયું

મદુરાઈ, તા.૨૩: અત્યાર સુધી તમે એક રુપિયામાં માચિસનું બોકસ ખરીદતા હતા, પરંતુ ચૌદ વર્ષ પછી તેની કિંમતમાં પણ વધારો થવાનો છે. માચિસ બનાવતી પાંચ મોટી કંપનીઓના અધિકારીઓએ સર્વસંમતિથી નિર્ણય લીધો છે કે પહેલી ડિસેમ્બરથી માચિસની કિંમતમાં એક રુપિયાનો વધારો કરવામાં આવશે. માટે હવે માચિસનું બોકસ એક નહીં પણ બે રુપિયામાં મળશે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૭માં માચિસની કિંમતમાં ૫૦ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.

ગુરુવારના રોજ સિવાકાસી ખાતે ઓલ ઈન્ડિયા ચેમ્બર ઓફ માચિસની મીટિંગ દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું કે, તાજેતરમાં માચિસના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવામાં આવતા કાચા માલની કિંમતમાં વધારો થવાને કારણે ભાવવધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્પાદકોનું કહેવું છે કે, માચિસ તૈયાર કરવા માટે ૧૪ પ્રકારના કાચા માલની જરુર પડે છે. રેડ ફોસ્ફરસની કિંમત ૪૨૫ રુપિયા પ્રતિ કિલોથી વધીને ૮૧૦ રુપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. વેકસની કિંમત ૫૮ થી વધીને ૮૦, બોકસના બહારના ભાગની કિંમત ૩૬થી વધીને ૫૫, ઈનર બોકસ બોર્ડની કિંમત ૩૨થી વધીને ૫૮ થઈ ગઈ છે. પેપર, પોટેશિયમ કલોરેટ અને સલ્ફરના ભાવમાં પણ ૧૦મી ઓકટોબરથી વધારો થયો છે. આ સિવાય ડીઝલની કિંમતોમાં થઈ રહેલા વધારાને કારણે પણ ઉત્પાદનનો ખર્ચ ઘણો વધી ગયો છે.

નેશનલ સ્મોલ મેચબોકસ મેન્યુફેકચરર્સ અસોસિએશનના સેક્રેટરી વી.એસ.સેતુરાથીનમે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, ઉત્પાદકો અત્યારે માચિસના ૬૦૦ બોકસનું એક બન્ડલ ૨૭૦થી ૩૦૦ રુપિયામાં વેચે છે. એક બોકસમાં ૫૦ સળીઓ હોય છે. અમે વેચાણ કિંમતમાં લગભગ ૬૦ ટકા વધારો કરવાનો નિર્ણય લીધો છે. જેનાથી એક બંડલની કિંમત ૪૩૦-૪૮૦ રુપિયા થઈ જશે. આમાં ટ્રાન્સપોર્ટેશન અને જીએસટી ઉમેરવામાં નથી આવ્યા.

માત્ર તમિલનાડુની વાત કરીએ તો, પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે લગભગ ચાર લાખ લોકો માચિસ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે અને તેમાં ૯૦ ટકાથી વધારે મહિલાઓ છે. પગાર ઓછો મળતો હોવાને કારણે દ્યણાં કારીગરો કામ છોડીને જતા રહે છે અને ખેતરોમાં કામ કરવાનું પસંદ કરે છે. માટે ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને આશા છે કે, કારીગરોને પૂરતો પગાર આપવામાં આવશે તો તેમને આ કામમાં રસ જળવાયેલો રહેશે.

(9:48 am IST)