Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

દેશના ૨૪ થી વધારે ચેરીટેબલ ટ્રસ્ટની થશે આવકવેરા તપાસ

સેવાના નામે મેળવી રહ્યા છે મેવા : ચેરીટી સંસ્થાઓ માટે ટેક્ષ છૂટના નિયમોમાં થઇ શકે છે સુધારો

 

 

નવી દિલ્હી, તા.૨૪: દેશમાં આગામી દિવસોમાં લગભગ એક ડઝનથી વધારે મુખ્ય ચેરીટેબલ સંસ્થાઓના કર લાભની તપાસ થઇ શકે છે. આ ચેરીટેબલ સંસ્થાઓમાં ખાનગી ટ્રસ્ટ, શૈક્ષણિક સંસ્થાઓ, ક્રિકેટ એસોસીએશનો વગેરે સામેલ છે. આમાંથી મોટા ભાગની સંસ્થાઓ નફો કમાઇ રહ્યા છે પણ ચેરીટેબલ સંસ્થાના નામે કર છૂટનો લાભ પણ મેળવી રહ્યા છે.

એક સીનીયર સરકારી અધિકારીએ કહ્યું કે રેવન્યુ વિભાગ આ ચેરીટેબલ સંસ્થાઓના હિસાબની તપાસ માટે એક સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર (એસઓપી) તૈયાર કરી રહ્યો છે. તેમણે કહ્યું કે વિભાગ એ જોવાનો પ્રયાસ કરશે કે સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા પછી તેમના કર લાભને ચાલુ રાખી શકાય તેમ છે કે નહીં. સુપ્રીમ કોર્ટનું માનવુ છે કે જે સંસ્થા, ટ્રસ્ટ અથવા એકમ ચેરીટેબલ સંસ્થાની આડમાં વ્યાપારિક ગતિવિધીઓ કરતી હોય અને વધારે ફી લેતી હોય તેઓ કર છૂટની માંગ ના કરી શકે.

અધિકારીએ કહ્યું કે આ બાબતે બહુ જલ્દી ટેક્ષ અધિકારીઓને દિશા નિર્દેશો અથવા પ્રક્રિયાની માહિતી આપવામાં આવશે. અધિકારી અનુસાર, સુપ્રીમ કોર્ટના ચુકાદાનો સાર તૈયાર કરાઇ રહ્યો છે અને તેના આધારે દિશા નિર્દેશો જાહેર કરવામાં આવશે.

એક અન્ય સરકારી અધિકારીએ કહ્યું કે અંદાજથી જાણવા મળે છે કે વ્યાપારિક ગતિવિધીઓમાં સામેલ લગભગ ૫૦ સંસ્થાઓ વર્ષોથી નફો કરતી હોવા છતાં કરમાં છૂટનો લાભ મેળવી રહી છે. તેમણે કહ્યું કે આ સંસ્થાઓ ઘણી વધારે ફી અને ઉપકર વસૂલી રહી છે જેના લીધે તેમનો નફો ૪૦ થી ૬૦ ટકાના દાયરામાં છે.

અધિકારીએ સંકેત આપ્યા કે સુપ્રીમ કોર્ટનાં ફેંસલા પછી સરકાર પણ કેટલીક જોગવાઇઓમાં સુધારા કરી શકે છે જેથી તેમાં રહેલી ખામીઓ દૂર થઇ શકે. આવકવેરા વિભાગ રજીસ્ટ્રેશનના રિન્યૂઅલ અથવા કર નિર્ધારણ દરમ્યાન અન્ય ચેરીટેબલ ટ્રસ્ટોની સખ્તાઇપૂર્વક તપાસ કરશે.

એક અન્ય અધિકારીએ કહ્યું કે શૈક્ષણિક ટ્રસ્ટોની પણ બારીકીપૂર્વક તપાસ કરવાની જરૂર છે જેથી એ જાણી શકાય કે તેઓ કેટલી હદે વ્યાપારીક ગતિવિધીઓમાં સામેલ છે. અને તેના આધારે તેમને કરના વ્યાપમાં લાવવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડીયે શૈક્ષણિક ટ્રસ્ટો દ્વારા કરાયેલ એક અરજી ફગાવી દીધી હતી જેમાં આવકવેરા અધિનિયમ હેઠળ કર છૂટની માંગણી કરાઇ હતી. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આવકવેરામાં છૂટનો લાભ લેનાર શૈક્ષણિક સંસ્થાઓએ પોતાનું ધ્યાન સંપૂર્ણપણે શિક્ષણ અને તેના સંબંધી ગતિવિધીઓ પર કેન્દ્રિત કરવુ જોઇએ.

અત્યાર સુધી શૈક્ષણિક સંસ્થાઓએ એટલું જ દર્શાવવાનુ હોય છે કે તે મુખ્યરૂપે શૈક્ષણિક ગતિવિધીઓમાં સામેલ છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે એ પુરતુ નથી. તેમણે એ પણ જણાવવું પડશે કે તેઓ કઇ શૈક્ષણિક પ્રવૃતિઓમાં સામેલ છે.

(10:59 am IST)