Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

આ વખતે પણ PM મોદી સૈનિકો વચ્‍ચે મનાવશે દિવાળીઃ સવારે કારગિલ પહોંચ્‍યા

દિવસ દરમિયાન અહીં જવાનોને મળ્‍યા બાદ સાંજે તેઓ દિવાળીની ઉજવણીમાં જોડાશે

જમ્‍મુ/લેહ, તા.૨૪: ગત વખતની જેમ આ વખતે પણ દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી સૈનિકો સાથે દિવાળી મનાવશે. પીએમ મોદી દિવાળીની સવારે કારગિલ પહોંચ્‍યા હતા. એવું કહેવામાં આવ્‍યું છે કે દિવસ દરમિયાન અહીં સૈનિકોને મળ્‍યા પછી તેઓ સાંજે દિવાળીની ઉજવણીમાં જોડાશે. વડાપ્રધાને દિવાળીના અવસર પર તમામ દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી છે.

પીએમ મોદીએ ટ્‍વિટ કરીને કહ્યું- બધાને દિવાળીની શુભકામનાઓ. દિવાળીનો સંબંધ તેજ અને પ્રકાશ સાથે છે. આ પવિત્ર તહેવાર આપણા જીવનમાં સુખ અને સમળદ્ધિની ભાવનાને આગળ વધારશે. હું આશા રાખું છું કે પરિવાર અને મિત્રો સાથે તમારી દિવાળી અદભુત હોય.

વડાપ્રધાન બન્‍યા બાદ નરેન્‍દ્રભાઇ મોદી સતત દેશની સુરક્ષામાં તૈનાત જવાનો સાથે દિવાળીનો તહેવાર ઉજવે છે. ૨૦૧૪માં વડાપ્રધાન બન્‍યા ત્‍યારથી તેઓ દર વર્ષે સરહદની રક્ષા કરતા સૈનિકો સાથે દિવાળી ઉજવે છે. આ વખતે તેમની દિવાળી કારગીલમાં હશે.

પીએમ મોદીની બોર્ડર દિવાળીઃ ૪ નવેમ્‍બર, ૨૦૨૧: પીએમ મોદીએ રાજોરીના નૌશેરા સેક્‍ટરમાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી.

૧૪ નવેમ્‍બર ૨૦૨૦: PM મોદીએ પ્રકાશ પર્વના જેસલમેરમાં લોંગેવાલા પોસ્‍ટ ખાતે સૈનિકો સાથે સાતમી દિવાળીની ઉજવણી કરી.

૨૭ ઓક્‍ટોબર ૨૦૧૯: PM મોદીએ ૨૦૧૯માં LoC પર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી. પીએમ મોદીએ રાજૌરીમાં એલઓસી પર તૈનાત સૈનિકોને મળ્‍યા અને તેમને પ્રોત્‍સાહિત કર્યા.

૭ નવેમ્‍બર ૨૦૧૮: ૨૦૧૮માં પીએમ મોદીએ ઉત્તરાખંડના હર્ષિલમાં ઈન્‍ડો-તિબેટિયન બોર્ડર પોલીસના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી.

૧૮ ઓક્‍ટોબર ૨૦૧૭: વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી. ત્‍યારબાદ તેમણે જમ્‍મુ-કાશ્‍મીરના ગુરેઝમાં સૈનિકો વચ્‍ચે દિવાળીની ઉજવણી કરીને તેમને પ્રોત્‍સાહિત કર્યા.

૩૦ ઓક્‍ટોબર ૨૦૧૬: PM મોદી દિવાળીની ઉજવણી કરવા ૨૦૧૬માં હિમાચલના કિન્નૌર પહોંચ્‍યા હતા. અહીં તેમણે ભારત-ચીન બોર્ડર પાસે જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

૧૧ નવેમ્‍બર, ૨૦૧૫: પીએમ મોદીએ પંજાબમાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી. અહીં તેઓ ૧૯૬૫ના યુદ્ધના વોર મેમોરિયલની મુલાકાતે પણ આવ્‍યા હતા.

૨૩ ઓક્‍ટોબર ૨૦૧૪: મે ૨૦૧૪માં વડાપ્રધાન બન્‍યા બાદ પીએમ મોદીએ સૈનિકો સાથે દિવાળી મનાવવાનો નિર્ણય કર્યો. આ પછી, ૨૩ ઓક્‍ટોબર ૨૦૧૪ ના રોજ, તેમણે PM તરીકે સિયાચીનમાં પ્રથમ દિવાળી ઉજવી.

(11:24 am IST)