Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

અલ કબીરના સંસ્થાપક ગુલામુદ્દીન શેખનું અવસાન

વિશ્વમાં ફ્રોઝન ફુડના પ્રસાર માટે જાણીતા હતા : ભારતમાંથી મટન અને બીફની નિકાસ કરતી આ કંપનીનું નામ થોડા સમય પહેલા ખૂબ જ ચર્ચામાં આવ્યું હતું

મુંબઈ, તા.૨૩ : ફ્રોઝન ફુડના જનક અને અલ કબીરના સંસ્થાપક ગુલામુદ્દીન એમ શેખનું અવસાન થયું છે. મુંબઈની લીલાવતી હોસ્પિટલ ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. એમ શેખ ઘણાં લાંબા સમયથી બીમાર હતા અને પરિવારજનોએ તેમના અવસાનની જાણકારી આપી હતી. ૮૫ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું છે અને તેમને ૨ દીકરાઓ અને ૨ દીકરીઓ છે.  તેઓ વિશ્વમાં ફ્રોઝન ફુડના પ્રસાર માટે જાણીતા હતા. ગુલાબભાઈ તરીકે ઓળખાતા અલ કબીરના સંસ્થાપક પોતાની વિનમ્રતા અને ઈમાનદારી માટે પણ પ્રખ્યાત હતા. તેમણે ૧૯૭૯માં અલ કબીર સંસ્થાની સ્થાપના કરી હતી. ભારતમાંથી મટન અને બીફની નિકાસ કરતી આ કંપનીનું નામ થોડા સમય પહેલા ખૂબ ચર્ચામાં આવ્યું હતું.  હકીકતે સોશિયલ મીડિયામાં એવો મેસેજ વાયરલ થયો હતો કે, 'એશિયાના સૌથી મોટા કતલખાનાનું નામ અલ કબીર છે. નામ પરથી એવું લાગશે કે કોઈ મુસ્લિમ હશે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, બધા જ ૧૧ ડાયરેક્ટર બ્રાહ્મણ અને વાણીયા છે અને એમાંથી ૯ ડાયરેક્ટર ગુજરાતી છે. આ કતલખાનામાં રોજની ૧૦૦૦ ગાયોની કતલ કરવામાં અને અલ કબીરનું લાયસન્સ અટલજીની સરકાર દ્વારા ૪૦ ટકા સબસિડી સાથે આપવામાં આવ્યું હતું.'

જોકે, આ દાવાના ફેક્ટ ચેક દરમિયાન કંપનીની વેબસાઈટ પર તે સંપૂર્ણ મુસ્લિમ માલિકીની કંપની તરીકે વર્ણવવામાં આવી છે તેવું સામે આવ્યું હતું.  બાદમાં એવું સત્ય સામે આવ્યું હતું કે, તે કંપનીની સ્થાપના ૧૯૭૯માં ગુલામુદ્દીન મકબુલ શેખ અથવા ગુલામુદ્દીન એમ શેખે કરી હતી. જોકે બાદમાં ઘણાં લોકો પાછળથી કંપની ચલાવવા તેમના સાથે જોડાયા હતા.

(12:00 am IST)