Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

જો કોંગ્રેસ કેન્દ્રમાં સત્તા પર આવવા માંગતી હોય તો તેણે ભાજપની ટેકનિક અપનાવવી પડશે: હરીશ રાવતની સલાહ

કોંગ્રેસને સત્તા પરથી હટાવવા માટે ભાજપે અગાઉ સ્થાનિક અને ક્ષેત્રીય નેતાઓને મજબૂત બનાવ્યા હતા

નવી દિલ્હી : ઉત્તરાખંડના પૂર્વ સીએમ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા હરિશ રાવતે કહ્યુ છે કે, જો કોંગ્રેસ કેન્દ્રમાં સત્તા પર આવવા માંગતી હોય તો તેણે ભાજપની ટેકનિક અપનાવવી પડશે.

દરમિયાન કોંગ્રેસ હાઈ કમાન્ડે હરિશ રાવતે અને સાથે સાથે રાવતના ઉત્તરાખંડમાં વિરોધી ગણાતા નેતા પ્રીતમ સિંહને દિલ્હી બોલાવ્યા છે.રાજ્યમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની હોવાથી કોંગ્રેસ રાવતનો અસંતોષ ઠંડો પાડવાનો પ્રયાસ કરી રહી છે.

હરિશ રાવત કોંગ્રેસ પર પોતાને આગામી ચૂંટણીમાં સીએમ કેન્ડિડેટ ડિકલેર કરવા માટે દબાણ કરી રહ્યા છે પણ પાર્ટી કોઈ એક ચહેરાને આગળ કરવાના મૂડમાં નથી.જેના પગલે હરિશ રાવત નારાજ છે.

દરમિયાન એક કાર્યક્રમમાં રાવતે કહ્યુ હતુ કે, કોંગ્રેસને સત્તા પરથી હટાવવા માટે ભાજપે અગાઉ સ્થાનિક અને ક્ષેત્રીય નેતાઓને મજબૂત બનાવ્યા હતા.કોંગ્રેસે પણ આ જ ટેકનિક અપનાવવી પડશે.2024માં રાહુલ ગાંધી પીએમ બને તે માટે પણ આ ટેકનિક અપનાવી જરુરી છે.રાહુલ ગાંધીની પોતાની રાજકીય સમજ છે અને મતદારો તેમને કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે જૂએ છે.

આ પહેલા રાજ્યમાં જેટલા પણ ઓપિનિયન પોલ થયા છે તેમાં હરિશ રાવતને લોકોએ સીએમ તરીકે પહેલી પસંદ ગણાવ્યા છે અને તેના કારણે પણ રાવત ઈચ્છી રહ્યા છે કે, પાર્ટી તેમને સીએમના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરે.

 

(12:00 am IST)