Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

કોહલીની કેપ્ટનશિપમાં દક્ષિણ આફ્રિકામાં ભારતીય ટીમ રચશે ઇતિહાસ : પૂર્વ કોચ રવિ શાસ્ત્રીનો દાવો

દક્ષિણ આફ્રિકાને તેમની ધરતી પર હરાવવું સરળ નથી, પરંતુ આપણી પાસે પૂરતા સંસાધનો છે.

મુંબઈ :ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા પ્રવાસની શરૂઆત કરવા જઈ રહી છે. બંને ટીમો વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ રમાવાની છે. આ વખતે ટીમ ઈન્ડિયા પાસે ઈતિહાસ રચવાની તક છે. ભારત આજ સુધી દક્ષિણ આફ્રિકાની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતી શક્યું નથી. જોકે, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે આ વખતે એમ નહી થાય.

શાસ્ત્રીએ કહ્યું કે દક્ષિણ આફ્રિકાને તેની ધરતી પર હરાવવું ક્યારેય સરળ નહોતું, પરંતુ વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમ રવિવારથી શરૂ થઈ રહેલી ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં જીત નોંધાવવાની ક્ષમતા ધરાવે છે.

 

શાસ્ત્રીનો કાર્યકાળ તાજેતરમાં T20 વર્લ્ડ કપ સાથે સમાપ્ત થયો હતો. તેણે કહ્યું કે તે હંમેશા ભારતીય ટીમને સમર્થન આપવાનું ચાલુ રાખશે. શાસ્ત્રી પણ કોહલીની ખૂબ નજીક રહ્યા છે, તેથી તેઓ ઇચ્છે છે કે ઓસ્ટ્રેલિયાના ઇતિહાસનું સાઉથ આફ્રિકામાં પુનરાવર્તન થાય. આગામી સિરીઝ વિશે વાત કરતા શાસ્ત્રીએ મીડિયા રીપોર્ટસમાં કહ્યું, ભારતીય ટીમ પાસે પોતાની ક્ષમતા સાબિત કરવા માટે આનાથી વધુ સારો સમય ન હતો. વિરાટ (કોહલી) એક મહાન કેપ્ટન છે અને તેની પાસે પ્રતિભાશાળી ટીમ છે.

શાસ્ત્રીએ કહ્યું, ‘આપણે હજુ સુધી દક્ષિણ આફ્રિકામાં શ્રેણી જીતી શક્યા નથી. એ યાદ રાખવું જરૂરી છે કે દક્ષિણ આફ્રિકાને તેમની ધરતી પર હરાવવું સરળ નથી, પરંતુ આપણી પાસે પૂરતા સંસાધનો છે. હંમેશની જેમ ભારતીય ટીમને મારો સંપૂર્ણ સમર્થન રહેશે. પ્રથમ ટેસ્ટ સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં રમાશે. બીજી અને ત્રીજી ટેસ્ટ અનુક્રમે જોહાનિસબર્ગ અને કેપટાઉનમાં રમાશે. ત્યારપછી ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે.

ભારતે તેની પ્રથમ ટેસ્ટ મેચ 1992માં દક્ષિણ આફ્રિકા સામે ડરબનમાં રમી હતી, જ્યારે ટીમે 2006માં રાહુલ દ્રવિડના નેતૃત્વમાં ત્યાં તેની પ્રથમ ટેસ્ટ જીતી હતી, જેમણે તાજેતરમાં જ મુખ્ય કોચ તરીકે શાસ્ત્રીના સ્થાને પદ સંભાળ્યુ છે. આ પહેલા પણ રવિ શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયાના વખાણ કર્યા હતા.

(12:34 am IST)