Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

હવે ટ્રેનોમાં મળશે ડિસ્પોઝેબલ બ્લેન્કેટ અને ઓશીકા

પેકેજ્ડ ફૂડ આઇટમ્સની સુવિધા ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો હતો

નવી દિલ્હી,તા. ૨૩: કોરોના વાયરસના કેસમાં દ્યટાડો થતા જ રેલવેએ અમુક સુવિધાઓ ફરી શરૂ કરી છે. રેલવેએ તાજેતરમાં ટ્રેનોમાં મુસાફરોને ડિસ્પોઝેબલ બેડરોલ કિટ આપવા ઉપરાંત પેકેજડ ફૂડ આઇટમ્સની સુવિધા ફરી શરૂ કરવાનો કરવાનો નિર્ણય લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, અગાઉ મુસાફરો માટે બેડરોલની સુવિધા વિનામૂલ્યે હતી, પરંતુ હવે રેલવે ડિસ્પોઝેબલ બ્લેન્કેટ અને ઓશીકા માટે ચાર્જ લેશે. લાંબા અંતરની ટ્રેનોમાં મુસાફરોને ડિસ્પોઝેબલ બેડરોલ કિટ આપવામાં આવશે. મુંબઈ-દિલ્હી રાજધાની એકસપ્રેસ, મુંબઈ-દિલ્હી ઓગસ્ટ ક્રાંતિ રાજધાની એકસપ્રેસ, ગોલ્ડન ટેમ્પલ મેઇલ અને પશ્યિમ એકસપ્રેસ જેવી કેટલીક ટ્રેનોના આ સુવિધા ઉપલબ્ધ હશે. તેમજ એસી કોચમાં મુસાફરી કરતા મુસાફરોને ડિસ્પોઝેબલ બેડરોલ સુવિધા પૂરી પાડવામાં આવશે.

ડિસ્પોઝેબલ બેડરોલ કિટની કિંમત ઝોન અનુસાર બદલાઈ શકે છે. કેટલાક ઝોનમાં કીટમાં ટૂથપેસ્ટ અને સેનિટાઇઝર પણ આપવામાં આવી રહ્યું છે. જયારે કેટલાકમાં માત્ર ધાબળા, ઓશીકા અને ચાદર જ આપવામાં આવી રહી છે.

અહેવાલો અનુસાર, રેલવેએ અમુક રેલવે સ્ટેશનો પર બેડરોલ માટે કિઓસ્ક લગાવ્યા છે. જયાં લોકો તેમની જરૂરિયાતો મુજબ ડિસ્પોઝેબલ શીટ, ઓશીકા અને ધાબળો ખરીદી શકે છે. આ ઉપરાંત રેલવેએ દાનાપુર ડિવિઝનના કેટલાક સ્ટેશનો પર પણ આવી સુવિધા શરૂ થઇ છે.

શિયાળાની ઋતુ અને ટ્રેનોમાં બેડરોલ કિટની વધતી માંગને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ડિસ્પોઝેબલ ટ્રાવેલ બેડરોલ કિટ માટે મુસાફરોએ ૩૦૦ રૂપિયાની અલગ ફી ચૂકવવી પડશે. જયારે ટૂથપેસ્ટ, માસ્ક અને ધાબળોના બેગ માટે ૧૫૦ રૂપિયા ચૂકવવા પડશે.

ટ્રેનમાં ત્રણ પ્રકારની ડિસ્પોઝેબલ બેડરોલ કિટ પુરી પાડવામાં આવશે. એક કિટમાં બ્લેન્કેટ, ચાદર, ઓશીકું અને તેનું કવર, ડિસ્પોઝેબલ બેગ, ટૂથપેસ્ટ, ટૂથબ્રશ, હેર ઓઇલ, કાંસકો, સેનિટિઝર પાઉચ, પેપર સોપ અને ટિશ્યુ પેપર હશે. આ કિટની કિંમત ૩૦૦ રૂપિયા નક્કી કરવામાં આવી છે. જોકે, કોઈ મુસાફર માત્ર ધાબળો ખરીદવા માંગે છે તો ૧૫૦ રૂપિયા ચાર્જ લેવામાં આવશે.

વેસ્ટર્ન રેલવેએ ટ્રેનોમાં બેડરોલ કિટ વેચવા માટે ખાનગી કોન્ટ્રાકટરની નિમણૂક કરી છે. પશ્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું કે, ખાનગી કોન્ટ્રાકટર દ્વારા પોસ્ટ કરવામાં આવેલા ઓછામાં ઓછા બે વ્યકિતઓ ટ્રેનોમાં સવાર થશે અને ડિસ્પોઝેબલ બેડરોલ વેચશે. આ કર્મચારીઓ મુસાફરોને પેકેટ દીઠ રૂ. ૧૫૦ના ભાવે વેચશે.

(12:00 am IST)