Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

કંગના નિવેદન નોંધાવવા ખાર પોલીસ મથકે પહોંચી

શિખ સમૂદાય સામે આપત્તિજનક નિવેદનનો આરોપ : માફી મગાવવાની ધમકી કામ નહીં કરે, કેસ રદ કરવા હાઈકોર્ટમાં અપીલ કરી, કંગનાએ પોતાનો પક્ષ મુક્યો

મુંબઈ, તા.૨૩ : સિખ સમુદાય સામે આપત્તિજનક નિવેદન આપવાના આરોપનો સામનો કરી રહેલી એક્ટ્રેસ કંગના આજે મામલે પોતાનુ નિવેદન નોંધાવવા માટે મુંબઈના ખાર પોલીસ મથકે પહોંચી હતી.

લગભગ દોઢ કલાક સુધી કંગનાની પોલીસે પૂછપરછ કરી હતી અને બાદમાં તે પોલીસ મથકમાંથી રવાના થઈ હતી.બીજી તરફ મામલામાં ફરિયાદ નોંધાવનારા અમરજીત સિંહ સંધુનુ કહેવુ છે કે, કંગનાએ સિખ સમુદાયની લાગણીને ઠેસ પહોંચાડી છે.કૃષિ કાયદા પાછા ખેંચવામાં આવ્યા ત્યારે તેણે સિખ સમુદાયની ખાલિસ્તાનીઓ સાથે સરખામણી કરી હતી.

આવી ઉટપટાંગ વાતો કરવાનો કોઈ અર્થ નથી.કંગના જો પોતાના નિવેદન બદલ માફી માંગે તો અમે તેને માફ કરી દઈશું અને મામલો ખતમ થઈ જશે.કંગનાને પણ ખબર છે કે, અમારો સમુદાય માફી આપવામાં અને એક તક આપવામાં વિશ્વાસ કરે છે.

બીજી તરફ કંગનાના વકીલે કહ્યુ હતુ કે, ફરિયાદ કરીને માફી મંગાવવાની ધમકી કામ નહીં કરે.કેસ રદ કરવા માટે હાઈકોર્ટમાં અમે અપીલ કરેલી છે.કંગનાએ પોતાનો પક્ષ મુકેલો છે. કેવી નીતિ છે કે, પહેલા પોલીસ ફરિયાદ કરો અને પછી માંફી માંગવા ફરજ પાડો.

(12:00 am IST)