Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

ત્રીજી લહેરની શક્યતા, બીજી લહેર કરતા ઓછા કેસ આવશે

ઓમિક્રોનના સતત ઝડપથી વધતા કેસે દેશની ચિંતા વધારી : ડેલ્ટા વેરિએન્ટ કરતા ઓમિક્રોનની સંક્રમણ ફેલાવવાની ક્ષમતા ત્રણ ગણી, ભારતમાં ઓમિક્રોનના ૨૩૬ કેસ

નવી દિલ્હી, તા.૨૩ : કોરોનાના સૌથી વધારે સંક્રમણ ફેલાવતા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ ભારતમાં વધી રહ્યા છે અને તેના કારણે દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવે તેવી શક્યતા છે.

ભારતમાં અત્યાર સુધી ઓમિક્રોનના ૨૩૬ કેસ સામે આવ્યા છે અને સંખ્યા રોજ વધી રહી છે.કેન્દ્ર સરકાર પણ રાજ્ય સરકારોને ચેતવણી આપી ચુકી છે કે, ડેલ્ટા વેરિએન્ટ કરતા ઓમિક્રોન વેરિએન્ટની સંક્રમણ ફેલાવવાની ક્ષમતા ત્રણ ગણી છે.

નેશનલ કોવિડ સુપર મોડલ કમિટિના સભ્ય વિદ્યાસાગરે ન્યૂઝ એજન્સી સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, ભારતમાં આગામી વર્ષની શરુઆતમાં ત્રીજી લહેર આવે તેવી શક્યતા છે.જોકે લોકોમાં મોટા પાયે ઈમ્યુનિટી વિકસી હોવાથી બીજી લહેરની તુલનામાં લહેર હળવી હશે પણ ત્રીજી લહેર આવશે તે નિશ્ચિત છે.

તેમણે કહ્યુ હતુ કે, દેશમાં ૮૫ ટકા લોકોને વેક્સીનનો પહેલો ડોઝ અને ૫૫ ટકા લોકોને બંને ડોઝ મળી ચુકયા છે.વેક્સીનની બચવા કરવાની ક્ષમતા ૯૫ ટકા છે. સંજોગોમાં ત્રીજી લહેરમાં એટલા કેસ સામે નહીં આવે જેટલા બીજી લહેરમાં આવ્યા હતા.

આઈઆઈટી પ્રોફેસર વિદ્યાસાગરનુ કહેવુ છે કે, કેટલા કેસ આવશે તે બે બાબત પર નિર્ભર છે.પહેલુ કે ડેલ્ટાથી સંક્રમિત થયેલા લોકોમાં વિકસેલી ઈમ્યુનિટી કેટલી હદે ઓમિક્રોનનો સામનો કરી શકે છે અને બીજુ કે વેક્સીનથી જે ઈમ્યુનિટિ લોકોમાં વિકસી છે તે કેટલી હદે ઓમિક્રોનને બેઅસર કરી શકે છે.. બંને બાબતો અંગે પૂરતી જાણકારી ઉપલબ્ધ નથી.આમ છતા જો દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવે તો સૌથી ખરાબ સ્થિતિમાં પણ દેશમાં રોજ બે લાખથી વધારે કેસ નહીં સામે આવે.જોકે અનુમાન છે અને ભવિષ્યવાણી નથી.

(12:00 am IST)