Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

ઓડિશામાં યુવક અને યુવતીનાં અનોખા લગ્ન બન્યા ચર્ચાનું કેન્દ્ર

સાત ફેરા કે મંત્ર નહીં પણ ભારતના બંધારણની શપથ લઇને યુવક-યુવતીએ કર્યા લગ્નઃ મંડપ કે પંડિત પણ નહિ

લગ્નમાં યુવક-યુવતીએ રકતદાન તેમજ અંગદાન કર્યું, મહેમાનોએ પણ કર્યું રકતદાન

ભુવનેશ્વર,તા.૨૪: હાલ લગ્નની સિઝન ચાલી રહી છે, અને છેલ્લા કેટલાય દિવસોમાં તમે અનોખા લગ્નના અનેક કિસ્સાઓ સાંભળી ચૂકયા હશો. હાલમાં જ મધ્ય પ્રદેશમાં એક આઈએએસ દીકરીએ પિતાને કન્યાદાન માટે ના પાડી દીધી હતી, તો રાજસ્થાનમાં એક યુવતી શેરવાની અને દ્યોડા પર સવાર થઈને જાન કાઢી હતી. તેવામાં હવે અનોખા લગ્નનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવક અને યુવતીએ પારંપરિક વિધિ જેમ કે સાત ફેરા કે મંત્રોથી નહીં પણ ભારતના બંધારણની શપથ લઈને લગ્ન કર્યાં હતા.

આ અનોખા લગ્નનો કિસ્સો ઓડિશા જિલ્લાના ગંજમ જિલ્લામાંથી સામે આવ્યો છે. રવિવારના રોજ ૨૯ વર્ષીય વિજય કુમારના લગ્ન ૨૭ વર્ષીય શ્રુતિ કુમાર સાથે થયા હતા. વિજય ઓડિશાના બહેરામપુરનો રહેવાસી છે, જયારે શ્રુતિ ઉત્ત્।ર પ્રદેશની રહેવાસી છે અને બંને ચેન્નઈમાં એક ખાનગી કંપનીમાં સાથે કામ કરે છે. દરેક યુવક અને યુવતીને પોતાના લગ્ન સમયે કાંઈક અલગ જ કરવાની ઝંખના હોય છે. આવી જ ઝંખના વિજયા અને શ્રુતિને પણ હતી. તેઓને પોતાના લગ્ન કાંઈક હટકે રીતે કરવા હતા. પણ સાથે-સાથે સમાજમાં એક સારો સંદેશ પહોંચે તેવી પણ મનમાં આશ હતી.

જે બાદ વિજય અને શ્રુતિએ પોતાના લગ્ન પારંપરિક વિધિથી નહીં પણ ભારતના બંધારણની શપથ લઈને કરવાનો નિર્ણય કર્યો હતો. રવિવારે યોજાયેલ લગ્નમાં જયારે મહેમાનો આવ્યા તો તેઓને લગ્નનો મંડપ જ જોવા મળ્યો ન હતો અને સાથે ત્યાં પંડિત પણ ન હતો. એટલું જ નહીં, રવિવારે યોજાયેલ તેમના લગ્નના દિવસે તેઓએ રકતદાન કેમ્પનું આયોજન પણ કર્યું હતું. આ કેમ્પમાં દુલ્હન અને વરરાજાએ રકતદાન કર્યું હતું, સાથે-સાથે તેઓના શરીરના અંગોનું પણ દાન કર્યું હતું. આ ઉપરાંત લગ્નમાં સામેલ મહેમાનોએ રકતદાન કરીને સમાજમાં નવી મિશાલ રજૂ કરી હતી. અનોખા લગ્ન બાદ દુલ્હન શ્રુતિએ કહ્યું કે, આશા છે કે અમારા લગ્ન એક આદર્શ સ્થાપિત કરશે અને ભવિષ્યમાં તેને પાલન કરવા માટે પ્રેરણા આપશે.

આ અનોખા લગ્ન અંગે વરરાજાના પિતા ડી. મોહનરાવ રિટાયર્ડ સરકારી કર્મચારી છે. તેઓએ જણાવ્યું કે, વર્ષ ૨૦૧૯માં મારા મોટા પુત્રએ તેની દુલ્હનના માતા-પિતાને સમજાવ્યા બાદ આ જ પ્રકારે લગ્ન કરવાનું આયોજન કર્યું હતું. આ ઉપરાંત વધુમાં તેઓએ ઉમેર્યું કે, ભારતનું બંધારણ પ્રત્યેક ભારતીય માટે એક પવિત્ર ગ્રંથ છે અને એ જરૂરી છે કે તેમાં જણાવવામાં આવેલાં નિર્દેશોની જાણ લોકોને થાય. તમને જાણીને નવાઈ લાગશે કે, આ પંથકમાં આ પ્રકારે ઓછામાં ઓછા ચાર લગ્નો અત્યાર સુધી થઈ ચૂકયા છે.

(9:58 am IST)