Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

ત્રીજી લહેરના પડઘમ

ભારતમાં મૂળ વાયરસની સરખામણીએ ૩૧૮%ની પૂરપાટ ઝડપે ફેલાઇ રહ્યો છે ઓમિક્રોન

ભારતમાં નવા વેરિએન્ટનો પહેલો કેસ ૨ ડિસેમ્બરના રોજ મળ્યો હતો : પરંતુ માત્ર ૧૯ દિવસની અંદર આ વાયરસની ઝપેટમાં આવનારાની સંખ્યા ૨૦૦ પાર કરી ગઇ

નવી દિલ્હી,તા.૨૪: દેશમાં કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન મૂળ વાયરસની સરખામણીએ ત્રણ ગણી ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં નવા વેરિએન્ટનો પહેલો કેસ ૨ ડિસેમ્બરના રોજ મળ્યો હતો. પરંતુ માત્ર ૧૯ દિવસની અંદર આ વાયરસની ઝપેટમાં આવનારાની સંખ્યા ૨૦૦ પાર કરી ગઈ. તેનાથી વિપરિત મૂળ કોરોના વાયરસથી સંક્રમણના ૨૦૦ કેસ મળતા ૬૦ દિવસ લાગ્યા હતા. જેને જોતા ઓમિક્રોન સંક્રમણ ફેલાવવાનો દર મૂળ વારયસની સરખામણીએ ૩૧૮ ટકા છે.

ઓમિક્રોને આ દરમિયાન જયાં પ્રતિદિન સરેરાશ ૧૦.૫ લોકોને સંક્રમિત કર્યા ત્યાં શરૂઆતના બે મહિના દરમિયાન મૂળ વાયરસે પ્રતિદિન ફકત ૩.૩ લોકોને સંક્રમિત કર્યા. દેશમાં કોરોના સંક્રમણનો પહેલો કેસ વર્ષ ૨૦૨૦માં ૩૦ જાન્યુઆરીએ નોંધાયો હતો. ત્યારબાદ એક એપ્રિલ ૨૦૨૦ના રોજ કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ૨૦૦ થઈ હતી. નોંધનીય છે કે ઓમિક્રોનનો સૌથી પહેલો કેસ દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો. ત્યારબાદથી તે લગભગ ૧૦૦ દેશોમાં ફેલાઈ ચૂકયો છે. આ જ કારણ છે કે ભારતમાં તેના તેજ પ્રસારને જોતા ભાત ભાતની આશંકા વ્યકત કરાઈ રહી છે.

દેશના ૧૬ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓમિક્રોન ફેલાઈ ચૂકયો છે. અત્યાર સુધીમાં ૨૩૬થી વધુ લોકો સંક્રમિત થયા છે જયારે ૧૦૬ જેટલા સાજા પણ થયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૬૫ કેસ નોંધાયા છે. જયારે ઓમિક્રોનના ૬૪ કેસ સાથે દિલ્હી બીજા નંબરે છે. તેલંગણામાં ૨૪, કર્ણાટકમાં ૧૯, રાજસ્થાનમાં ૨૧ અને કેરળમાં ૧૫ કેસ નોંધાયા છે. ગુજરાતમાં પણ ૨૪ જેટલા કેસ નોંધાયા છે. (૨૨.૫)

દેશમાં આ રીતે વધ્યા ઓમિક્રોનના કેસ

તારીખ           સંક્રમણના

(ડિસેમ્બર મહિનો) કુલ કેસ

૨                 ૧

૭                 ૩૨

૧૬               ૮૧

૧૭               ૧૧૧

૨૧               ૨૦૦

૨૩               ૨૩૬

(9:59 am IST)