Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

ગુજરાતથી ખાદ્ય પદાર્થ મગાવવાનું ડોકટર દંપતીને ભારે પડ્યું

કુરિયર કંપનીમાંથી બોલી રહ્યાનું જુઠ્ઠાણું ચલાવીને સાયબર ગુનેગારે ડોકટર દંપતિ સાથે રૂ. બે લાખની છેતરપિંડી

મુંબઈ,તા.૨૪: ગુજરાતથી ખાદ્ય પદાર્થ મગાવવાનું મુંબઈના ડોકટર દંપતીને ભારે પડી ગ્યું હતું. કુરિયર કંપનીમાંથી બોલી રહ્યાનું જુઠ્ઠાણું ચલાવીને સાયબર ગુનેગારે ડોકટર દંપતી સાથે રૂ. બે લાખની છેતરપિંડી આચરતાં પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી.

ફરિયાદી ડોકટર અને તેની પત્ની મુંબઈની અલગ-અલગ હોસ્પિટલમાં ફરજ બજાવે છે. ડોકટરનાં માતા-પિતા ગુજરાતમાં રહેતા હોઇ તેમણે ખાદ્યપદાર્થ કુરિયરથી મોકલ્યું હતું. ખાદ્યપદાર્થનું પાર્સલ ૧૫ તારીખે આવવાનું હતું, પણ તે ન આવતાં ડોકટરે કુરિયર કંપનીનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન ડોકટરને અજાણ્યા શખસે ફોન કરીને પોતે કુરિયર કંપનીમાંથી બોલી રહ્યો હોવાનું કહ્યું હતું.  તમે જે પાર્સલ મગાવ્યું છે એ ૧૬ તારીખે આવી જશે. તમને પાર્સલ વહેલું જોઇતું હોય તો બે રૂપિયા ભરવા પડશે, એવું શખસે જણાવ્યું હતું. જોકે ડોકટર કામમાં વ્યસ્ત હોવાથી તેણે પત્નીનો નંબર શખસને આપીને તેનો સંપર્ક સાધવાનું કહ્યું હતું. આથી આરોપીએ ડોકટરની પત્નીનો સંપર્ક કર્યો હતો અને કુરિયરની માહિતી આપી હતી. પાર્સલ એકિટવેટ કરવા માટે બે રૂપિયા ભરવા પડશે, એવું તેણે ડોકટરની પત્નીને કહ્યું હતું. પત્ની પૈસા ભરવા તૈયાર થતાં શખસે તેના મોબાઇલ પર મેસેજ પાઠવ્યા બાદ લિંક મોકલી હતી.

લિંક ઓપન કરતાં તેના પર બેન્કની માહિતી ભરવા બાબતે વિન્ડો ઓપન થઇ. ત્યાં ડોકટરની પત્નીએ બેન્કની માહિતી ભરી હતી. બાદમાં તેમના બેન્ક એકાઉન્ટમાંથી રૂ. એક લાખ કાઢી લેવાયા હતા. આની જાણ થતાં તેમણે બેન્કમાં જઇને એટીએમ કાર્ડ બ્લોક કરાવ્યો હતો. જોકે સાંજ સુધી તેમના બીજા બેન્ક એકાઉન્ટમાંથી રૂ. એક લાખ કાઢી લેવાયા હતા. છેતરાયેલા ડોકટર દંપતીએ આ પ્રકરણે ભોઇવાડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

(10:00 am IST)