Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

ગુડ ન્યુઝ...કોવિશીલ્ડના બુસ્ટર ડોઝથી ઓમિક્રોન જોજનો દૂર રહે

કોવિશીલ્ડનો ત્રીજો ડોઝ કાતિલ ઓમિક્રોનને પોતાની નજીક પણ ફરકવા નહિ દયેઃ ઓકસફોર્ડ યુનિવર્સિટીના એક અભ્યાસમાં રાહતલક્ષી વિગતો બહાર આવીઃ અસ્ટ્રાજેનેકા વેકસીનના બુસ્ટર ડોઝથી ઓમિક્રોનથી સુરક્ષાઃ ઉંચ્ચસ્તરની એન્ટીબોડી બની રહી છેઃ ભારતમાં અસ્ટ્રાજેનેકા-ઓકસફોર્ડની કોરોના વેકસીનને સીરમ ઈન્સ્ટીટયુટ બનાવે છે જે કોવિશીલ્ડ તરીકે ઓળખાય છેઃ ૯૦ ટકા લોકોને આ લગાવાઈ છેઃ હવે બુસ્ટર ડોઝ લાગવો જરૂરી

નવી દિલ્હી, તા. ૨૪ : દેશમાં કોરોનાના અત્યંત ઝડપથી ફેલાઈ રહેલા ઓમિક્રોન વેરીયન્ટથી સંક્રમણના મામલાઓમાં ઉંછાળા વચ્ચે ઓકસફોર્ડ યુનિવર્સિટીના એક રીસર્ચથી ઘણી આશાઓ જાગી છે. આ અભ્યાસ-રીસર્ચ અનુસાર અસ્ટ્રાજેનેકા વેકસીનના બુસ્ટર ડોઝથી ઓમિક્રોન વિરૂદ્ઘ એન્ટીબોડી ઘણી વધી રહી છે. સરળ શબ્દોમાં તેને સમજી શકીએ કે અસ્ટ્રાજેનેકાનો બુસ્ટર ડોઝ લગાવનારાઓને ઓમિક્રોન સંક્રમિત કરી નહી શકે. ભારત માટે આ સ્ટડી ખાસ ગુડ ન્યુઝ સમાન છે કારણ કે દેશમાં લગાવવામાં આવી રહેલી વેકસીનમાં લગભગ ૯૦ ટકા અસ્ટ્રાજેનેકા જ છે.
બ્રિટીશ ફાર્મા દિગ્ગજ અસ્ટ્રાજેનેકાએ જણાવ્યુ છે કે તેના કોરોના વેકસીનના બુસ્ટર ડોઝ વેકસજેવરિયાએ ઓમિક્રોન સામે ઉંચ્ચકક્ષાની એન્ટીબોડી પેદા કરી છે. ઓકસફોર્ડ યુનિ. તરફથી કરવામાં આવેલા અભ્યાસમાં આ વાત સામે આવી છે.
અસ્ટ્રાજેનેકા વેકસીનને ઓકસફોર્ડ યુનિ. અને અસ્ટ્રાજેનેકાએ સાથે મળીને બનાવી છે. તેનુ ઉંત્પાદન સીરમ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડીયા કરે છે. ભારતમાં આ વેકસીન કોવિશીલ્ડ બ્રાન્ડના નામથી ઉંપલબ્ધ છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાની જેટલી પણ વેકસીન લાગી છે તેમા ૯૦ ટકા કોવીશિલ્ડ જ છે.
ઓકસફોર્ડ યુનિ.એ એસ્ટ્રાજેનેકા વેકસીનના બુસ્ટર ડોઝ એટલે કે ૩ ડોઝ લઈ ચૂકેલા ૪૧ લોકોના બ્લડ સેમ્પલનું વિશ્લેષણ કર્યુ હતુ. પરિણામોની સરખામણી એવા લોકોના બ્લડ સેમ્પલ સાથે કરવામાં આવી જે કોરોના વાઈરસથી સંક્રમિત થઈને સાજા થયા હતા. એટલે કે જેમનામા કુદરતી ઈમ્યુનિટી હતી. આ માટે માત્ર એવા લોકોના સેમ્પલ લેવામાં આવ્યા જે કોરોનાની ચિંતા વધારતા વેરીયન્ટ જેમ કે આલ્ફા, ડેટા વગેરેથી સંક્રમિત થયેલા હતા.
આ અભ્યાસથી મળેલા ડેટાનો હવાલો આપતા અસ્ટ્રાજેનેકાએ જણાવ્યુ છે કે બીજા ડોઝ બાદ બુસ્ટર ડોઝ લેનારામાં ઓમિક્રોન વિરૂદ્ઘ મજબૂત એન્ટીબોડી બની છે. તેણે જણાવ્યુ છે કે ત્રીજા ડોઝ બાદ લોકોના શરીરમાં એન્ટીબોડીનું સ્તર એવા લોકોના મુકાબલે ઘણુ વધુ હતુ જેઓ અગાઉં કોરોનાથી સંક્રમિત થઈ ચૂકેલા હતા અને પોતાની મેળે સાજા થયા હતા.
ખાસ વાત એ છે કે અસ્ટ્રાજેનેકા વેકસીનના બુસ્ટર ડોઝથી ઓમિક્રોન વિરૂદ્ઘ લગભગ એટલા સ્તરની સુરક્ષા મળી છે જેટલી બે ડોઝથી ડેલ્ટા વિરૂદ્ઘ સુરક્ષા મળી હોય.
અસ્ટ્રાજેનેકા બાયોફાર્મા રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટના એકઝીકયુટીવ વાઈસ પ્રેસિડેન્ટ મીન પેંગલોસએ જણાવ્યુ છે કે પરિણામો જણાવે છે કે બુસ્ટર ડોઝ આપવા જોઈએ. ભારતમાં હાલ કોરોના વેકસીનના બુસ્ટર ડોઝ નથી લાગતા. જો કે દુનિયાના ૮૦ ટકા દેશોમાં બુસ્ટર ડોઝ લાગી રહ્યા છે. ઈઝરાયેલ જેવા દેશોએ તો ચોથા ડોઝની પણ તૈયારી કરી છે.


 

(10:26 am IST)