Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

રાજીવ ગાંધીની હત્‍યાના આરોપી નલિનીની પેરોલ મંજૂર

નલિની હાલમાં વેલ્લોરની વિશેષ મહિલા જેલમાં બંધ છે

ચેન્‍નાઇ તા. ૨૪ : તમિલનાડુ સરકારે રાજીવ ગાંધી હત્‍યા કેસના સાત દોષિતોમાંથી એક નલિની શ્રીહરનને એક મહિના માટે પેરોલ પર જવાની મંજૂરી આપી છે. આ કેસમાં તેમની બિમાર માતાએ કોર્ટમાં વારંવાર વિનંતી કરે છે. વિશેષ સરકારી વકીલ હસન મોહમ્‍મદ ઝીણાએ ગુરુવારે મદ્રાસ હાઈકોર્ટને જણાવ્‍યું હતું કે રાજય સરકારે નલિનીને એક મહિનાની સાદી પેરોલ મંજૂર કરી છે અને તે હવે તેની બિમાર માતા પદ્માની મુલાકાત લઈ શકશે. નલિની હાલમાં વેલ્લોરની વિશેષ મહિલા જેલમાં બંધ છે.
પદ્માએ જસ્‍ટિસ પી એન પ્રકાશ અને આર હેમલતાની બેંચ સમક્ષ તેમની પુત્રીને પેરોલ પર આવવા દેવા માટે અરજી કરી હતી. સ્‍પેશિયલ પબ્‍લિક પ્રોસિક્‍યુટરની વિનંતીને સ્‍વીકારીને બેન્‍ચે પદ્માની અરજીનો નિકાલ કર્યો હતો. હવે નલિની તેની માતા સાથે વેલ્લોરના સતુવાચેરીમાં કડક પોલીસ જાપ્તા હેઠળ ભાડાના મકાનમાં રહેશે. તેની સાથે બહેન કલ્‍યાણી અને ભાઈ બકિયાનાથન પણ હશે. ૨૦૧૯માં પણ નલિનીને આવી જ પેરોલ આપવામાં આવી હતી.
તમિલનાડુ કેબિનેટે ૨૦૧૮ માં નલિની અને અન્‍ય દોષિતોને મુક્‍ત કરવાની ભલામણ કરી હતી પરંતુ રાજયપાલે ફાઇલને મંજૂરી આપી ન હતી. નલિની અને તેના સહયોગીઓએ મદ્રાસ હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં વિનંતી કરી છે કે તેમને રાજયપાલની મંજૂરી વિના મુક્‍ત કરવામાં આવે. આ અરજી પણ કોર્ટમાં પેન્‍ડિંગ છે.
ઉલ્લેખનીય છે કે રાજીવ ગાંધીની હત્‍યા ૨૧ મે ૧૯૯૧ના રોજ શ્રીપેરમ્‍બદુરમાં એક જાહેર સભા દરમિયાન કરવામાં આવી હતી જયારે તેઓ લોકોને મળી રહ્યા હતા. આ દરમિયાન એક મહિલા તેની નજીક ગઈ અને તેણે પોતાની જાતને વિસ્‍ફોટકથી ઉડાવી દીધી. આ ઘટનાના ત્રણ અઠવાડિયા બાદ પોલીસે તેમની ધરપકડ કરી હતી  નલિની અને તેમનો પતિ શ્રીહરન જેલમાં છે.

 

(11:24 am IST)