Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

જીએસટીમાં ઇન્સ્પેકટર રાજ : નોટિસ વિના પણ બેંક ખાતા ટાંચમાં લઇ શકાશે

અગાઉ બેંક ખાતા ટાંચમાં લેતા પહેલા કરદાતાને નોટિસ આપવામાં આવતી હતી : સમન્સ આપ્યા બાદ કરદાતા હાજર નહીં રહે તો પણ કાર્યવાહી કરવામાં આવશે

નવી દિલ્હી તા. ૨૪ : જીએસટીમાં કર વસુલાત માટે હવે બીજી વખત નોટીસ કે સમન્સ આપ્યા વિના પણ કરદાતાનુ બેંક એકાઉન્ટ એટેચમેન્ટ કરવાની સત્ત્।ા અધિકારીઓને આપવામાં આવી છે. તેનો અમલ આગામી એક જાન્યુઆરીથી કરવામાં આવશે. વેપારીઓની હાલત કફોડી થાય તેમ છે.

જીએસટીમાં ખોટી રીતે ક્રેડિટ લીધી હોય, બોગસ બિલમાં સંડોવણી હોય તેવા કિસ્સામાં કરદાતાને નોટીસ કે સમન્સ આપીને જવાબ રજૂ કરવા માટે તાકીદ કરવામાં આવતી હોય છે. ત્યાર બાદ પણ હાજર નહીં રહે તો બેંક એટેચમેન્ટ સુધીના પગલાં ભરવા બીજી વખત નોટીસ આપવામાં આવતી હોય છે. પરંતુ એક જાન્યુઆરી ર૦રરથી વેપારીને સમન્સ કે નોટીસ આપ્યા બાદ હાજર નહીં રહે તો બેક એટેચમેન્ટ જ કરી દેવાની સત્ત્।ા અધિકારીઓને આપી દેવામાં આવી છે. તેના કારણે કરદાતાઓની પરેશાનીમાં વધારો થવાનો છે. કારણ કે વધુ ક્રેડિટ લીધી હોય અથવા તો ઓછો ટેકસ ભર્યો હોય તેવા કિસ્સામાં અધિકારી દ્વારા કરદાતાને નોટીસ કે સમન્સ આપતા હોય છે. તેમાં યોગ્ય જવાબ નહીં લાગે તો બીજી વખત બોલાવીને જવાબ લેવામાં આવતો હતો તેમજ કરદાતા દ્વારા તેન લગતા પુરાવા રજુ કરવા માટે સમય માંગવામાં આવે તો તે ૫ણ અત્યાર સુધી આપવામાં આવતો હતો. તેના બદલે નવા ફાયનાન્સ એકટમાં કરેલા સુધારા પ્રમાણે હવે અધિકારીઓને જીએસટીની વસુલાત માટે મોટા પ્રમાણમાં સત્તા આપી દેવામાં આવી છે. તેના કારણે કેટલાક અધિકારીઓ હારા વેપારીઓને રંજાડે તેવી શકયતા હાલ તો ઉભી થઇ છે. જેથી જાણકારો જ એવુ કહી રહ્યા છે કે આગામી દિવસોમાં ઇન્સપેકટર રાજ ફરીથી આવે તો નવાઇ નહીં.(૨૧.૧૦)

નાના વેપારીઓનો સૌથી વધુ મરો થશે

સીએ મુકુંદ ચૌહાણ કહે છે કે, જીએસટીમાં અધિકારીઓને આપવામાં આવેલી સત્તાને કારણે ઇન્સ્પેકટર રાજ આવે તેવું હાલ તો દેખાઇ રહ્યું છે તેમજ સૌથી વધુ ખરાબ હાલત નાના વેપારીઓની થવાની છે. કારણ કે, તેઓએ નાની સરખી પણ ભૂલ કરી હશે અને જવાબ આપવામાં થોડું મોડું કરે તો તેનું બેંક એકાઉન્ટ જ એટેચ કરી દેવામાં આવશે. જેથી વેપાર પર પણ સીધી અસર થવાની છે.

વેપારીઓ માટે બીજી વખત સુનાવણી પણ નહીં થાય

નવા ફાયનાન્સ એકટ અંતર્ગત જીએસટીમાં કરવામાં આવેલા સુધારામાં એક વખત કરદાતાએ જવાબ રજુ કર્યા બાદ અધિકારીને તે જવાબ સંતોષકારક નહીં લાગે તો તેના માટે બીજી વખત કરદાતાને બોલાવવા કે નહીં તેનો નિર્ણય અધિકારી કરશે. જો અધિકારી બોલાવ્યા વિના પણ તેની મિલ્કત અને બેંક એકાઉન્ટ એટેચ કરી શકે તેવી સત્તા આપવામાં આવી છે. જેથી વેપારીએ જવાબ આપ્યો તે યોગ્ય છે કે નહીં તેનો નિર્ણય અધિકારી દ્વારા કરવામાં આવ્યા બાદ વેપારીએ નાછૂટકે બેંક એટેચમેન્ટથી બચવા માટે અધિકારીએ નક્કી કર્યા પ્રમાણેની રકમ જમા કરાવવી પડે તેવી સ્થિતિનું પણ નિર્માણ થવાનું છે. જોકે ત્યારબાદ કરદાતા દ્વારા અપીલમાં જઇને કે કોર્ટમાં જઇને તેની સામે લડાઇ લઇ શકે છે. પરંતુ તે પહેલા તો તેણે ફરજીયાત

જીએસટી  અધિકારીએ નક્કી કરેલી રકમ જમા કરાવવી પડે તે નક્કી છે.

(2:50 pm IST)