Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

કેન્દ્ર ઓમિક્રોન મામલે બુસ્ટર-ડોઝની જરૂરિયાત પર અભ્યાસ કરશે

નવી દિલ્હી, તા.૨૪: દેશમાં અને વિશ્વમાં કોરોનાના નવા ઓમિક્રોન વેરિયેન્ટના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં નવા વેરિયેન્ટ ઓમિક્રોનના કેસો વધીને ૩૫૮એ પહોંચ્યા છે. જેથી મોદી સરકારે કોરોના વધુ ને વધુ લોકો સંક્રમિત થાય એ પહેલાં બુસ્ટર ડોઝની જરૂરિયાતને લઈને એક સ્ટડી હાથ ધરશે. આ અભ્યાસમાં બાયોટેકનોલોજીની પ્રીમિયર સંસ્થા ટ્રાન્સલેશનલ હેલ્થ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ (THSTI)ની અધ્યક્ષતામાં છ મહિના પહેલાં કોરોનાની બે રસીના ડોઝ લીધેલા ૩૦૦૦ લોકોને આ અભ્યાસમાં સામેલ કરવામાં આવશે. આ અભ્યાસને DBTએ સ્પોન્સર્ડ કર્યો છે. આ અભ્યાસમાં દેશમાં અપાયેલી ત્રણે રસી –કોવિશિલ્ડ, કોવેકિસન અને સ્પુતનિક વી લીધેલા લોકોને સામેલ કરવામાં આવશે.

કોરોનાના વેરિયેન્ટ ઓમિક્રોન જયારથી દેશ અને વિશ્વમાં સંક્રમણની ચિંતા વધારી છે, ત્યારથી બુસ્ટર ડોઝ આપવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જોકે દેશમાં હજી એ સ્પષ્ટ નથી કે ભારતીયોને અપાયેલા રસીની અસર ઓછી થઈ છે કે હજી એક બુસ્ટર ડોઝની તત્કાળ જરૂર છે?

અમે T અને B સેલના રિસ્પોન્સ અને એન્ટિબોડીઝનું વિશ્લેષણ કરીશું જેથી બીજા ડોઝ લીધાના છ મહિના પછી સલામતીનો સ્તર કેવો છે?  એ ચકાસ્યા પછી દેશમાં બુસ્ટર ડોઝની જરૂરત પર અમારી સમજણ વધશે. મોદી સરકારે હજી સુધી બુસ્ટર ડોઝ માટે કોઈ નિર્ણય લીધો નથી. મોદી સરકારે નેશનલ ટેકિનકલ એડવાઇઝરી ગ્રુપ ઇમ્યુનિસેશન (NTAGI)ની નિમણૂક કરી છે, જેની સાથે સરકાર બેઠક યોજશે અને એ પછી બુસ્ટર ડોઝ આપવો કે નહીં એ વિશે નિર્ણય લેશે.

(3:36 pm IST)