Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

ઓમિક્રોનના પ્રસાર વચ્ચે જાદુ કી જપ્પી ઘટી, અસ્વસ્થતા વધી

ઈઝરાયલમાં કોવિડની બીકથી લોકો પોતાના પ્રિયને ગળે મળવાના બદલે ઝાડને બાથ ભરવા લાગ્યા

લંડન, તા. ૨૪ :. એક સર્વેમાં એવુ બહાર આવ્યુ છે કે બે વર્ષથી વધુ સમયથી ફેલાયેલી કોવિડ પેન્ડેમીકના કારણે લોકો એકબીજાને ગળે મળવાથી દૂર થઈ રહ્યા છે. ઓમિક્રોનના પ્રસાર વચ્ચે આ ચલણ વધુ ઘટયુ છે. સાથોસાથ લોકોમાં અસ્વસ્થતા વધી છે. યુગોવ અને પીએ ન્યુઝ એજન્સીના સર્વે મુજબ એક છત હેઠળ નહી રહેતા ૭૦ ટકા લોકો હસ્તધૂનન કરવાથી પણ અચકાઈ રહ્યા છે. બે તૃત્યાંશ લોકો કોઈપણ સાથે હાથ મિલાવવા નથી માંગતા. આમ કરવાથી કોરોના વાઈરસનો ફેલાવો થવાની બીક તેઓ અનુભવી રહ્યા છે. બીજા એક સર્વેમાં એવુ તારણ નિકળ્યુ કે ત્રીજા ભાગના પુખ્ત લોકોમાં ઓમિક્રોન વેરીયન્ટ પ્રસરતા વધુ પડતી અસ્વસ્થતા જોવા મળી રહી છે. નેશનલ સ્ટેટેસ્ટીકના આંકડા મુજબ ૩૮ ટકા પુખ્તોમાં અસ્વસ્થતાનું ઉંચુ લેવલ જોવા મળ્યુ છે. જાન્યુઆરી ૨૦૨૧ના છેલ્લા સર્વે કરતા આ આંકડો વધ્યો છે. તજજ્ઞોના મત મુજબ નવેમ્બરના અંત સુધીમાં અસ્વસ્થતાનું પ્રમાણ ઘણુ વધ્યુ છે. આ ગાળામાં આફ્રિકન દેશોમાં ઓમિક્રોનના નવા વેરીયન્ટની ઓળખ થવાનું ચાલુ થયુ હતું. સાથોસાથ હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ વધવા લાગ્યો છે. સુપર માર્કેટમાં ટ્રોલી અને બાસ્કેટ વાઈપઆઉટ (સાફ) કરી લોકો ઉપયોગ કરવા લાગ્યા છે. ઈન્ટરવ્યુમાં એવુ તારણ નિકળ્યુ કે લોકો ઈન્ડોરના બદલે આઉટડોર મીટીંગો પસંદ કરે છે. યુકેમાં ૧૬૫૨ લોકો પૈકી ત્રીજા ભાગના લોકોેએ કહ્યુ કે કોરોના પેન્ડેમીકની આટલી બીક પહેલા નહોતી. જયારે ૪ ટકાનું કહેવુ છે કે આ બીક પુરી થઈ ગઈ છે. બાકીનાનું માનવુ છે કે આ ત્રાસ હજુ એકથી બે વર્ષ રહેશે.

(3:40 pm IST)