Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

અજય મિશ્રા ટેનીને બ્લેકમેલ કરીને ખંડણી માંગવાનો પ્રયાસ : દિલ્હી પોલીસે ૫ લોકોની ધરપકડ કરી

નવીદિલ્હી : કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીને બ્લેકમેલ કરીને ખંડણીની માંગણી કરવાનો મામલો સામે આવ્યો છે.  દિલ્હી પોલીસે આ કેસમાં ૫ લોકોની ધરપકડ કરી છે.  અજય મિશ્રા ટેનીનો પુત્ર આશિષ મિશ્રા ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં ખેડૂતોની હત્યાના કેસમાં મુખ્ય આરોપી છે.

દિલ્હી પોલીસે કહ્યું કે ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના સ્ટાફ તરફથી ફરિયાદ મળી હતી કે તેમને પૈસા માટે કોલ આવ્યા હતા. આ પછી ફરિયાદ નોંધવામાં આવી હતી.  ઘટનાની તપાસ કર્યા બાદ પોલીસે ખંડણી માટે કોલ કરી બોલાવવા બદલ ૫ લોકોની ધરપકડ કરી હતી.  ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી ૪ આરોપીની નોઈડા અને ૧ની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં થયેલી હિંસામાં ખેડૂતો સહિત ૮ લોકોના મોત થયા હતા.  આ મામલાની તપાસ કરી રહેલી એસઆઇટી એ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે ખેડૂતોની હત્યા એક સુનિયોજિત કાવતરું હતું.  આ રિપોર્ટ આવ્યા બાદ જિલ્લા કોર્ટે આશિષ મિશ્રા અને અન્ય આરોપીઓ સામે હત્યાનો કેસ ચલાવવાનો આદેશ આપ્યો હતો.  આ અહેવાલ સામે આવ્યા બાદ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અને આશિષ મિશ્રાના પિતા અજય મિશ્રા ટેનીને બરતરફ કરવાની માંગણી તેજ થવા લાગી છે.  વિપક્ષ સતત અજય મિશ્રાને કેન્દ્રમાંથી બરતરફ કરવાની માંગ કરી રહ્યો છે.

(3:56 pm IST)