Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

નાઈટ કર્ફ્યુ, બૂસ્ટર ડોઝ કે પછી ઈશ્વર, લોકોને ઓમિક્રોનથી કોણ બચાવશે?

ભારતમાં બૂસ્ટર ડોઝ કયારે આપવામાં આવશે? ચૂંટણીઓ નજીક છે ત્યારે ગાઈડલાઈન્સનું કેટલું પાલન થશે? રસીના બન્ને ડોઝ લઈ ચૂકેલા લોકોની રોગપ્રતિકારક શકિત બચી છે? : કોરોના સામે લડવા માટે રસીને માનવામાં આવે છે મહત્વનું હથિયાર ભારત સરકાર કયારે બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરશે?

નવી દિલ્હી, તા.૨૪: દેશભરમાં ઓમિક્રોનના કેસ ધીરે ધીરે વધી રહ્યા છે. કોરોના સામે લડવા માટે રસીને એક મહત્વનું હથિયાર માનવામાં આવે છે. ત્યારે હવે પ્રશ્નો થઈ રહ્યા છે કે, બૂસ્ટર ડોઝ કયારે આવશે. ઈઝરાયલ અને જર્મનીએ બે ડોઝ આપી દીધા છે. ભારતની સરકાર પર પણ પ્રેશર છે. ઓમિક્રોન વેરિયન્ટના કેસ ૩૦૦થી વધારે થઈ ગયા છે. વિપક્ષ પણ સરકારને પૂછી રહ્યા છે કે બૂસ્ટર ડોઝ આપવામાં આવશે કે કેમ.

શું કોવિશીલ્ડ અને કોવેકિસનના બન્ને ડોઝ લઈ ચૂકેલા લોકોની રોગપ્રતિકારક ક્ષમતા હજી પણ જળવાયેલી છે? જેમણે આ વર્ષની શરુઆતમાં રસીના ડોઝ લઈ લીધા છે તેમના શરીરમાં હજી પણ ઓમિક્રોન સામે લડવાની ઈમ્યુનિટી બચી છે? એવા અનેક પ્રશ્નો છે જે લોકોને પરેશાન કરી રહ્યા છે. સરકાર તરફથી હજી સુધી કોઈ ખુલાસો કરવામાં નથી આવ્યો. લોકો આપમેળે ગૂગલ કરીને પ્રશ્નોના ઉત્ત્।ર મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

ઈઝરાયલે પોતાના દેશના નાગરિકોને બે-બે બૂસ્ટર ડોઝ આપ્યા છે. બ્રિટનમાં ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે, દરરોજ એક લાખ કેસ સામે આવી રહ્યા છે. બ્રિટન પણ હવે ચોથા ડોઝ પર વિચાર કરી રહ્યો છે. જર્મનીએ ચોથા કોવિડ બૂસ્ટર ડોઝને રોલ આઉટ કરવાની જાહેરાત કરી છે. અમેરિકામાં પણ રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન બૂસ્ટર ડોઝ લાવવા માટે તૈયાર છે. આ તમામ વાતો દરમિયાન અમુક એવા નિષ્ણાંતો પણ છે, જે બૂસ્ટર ડોઝને ફગાવી રહ્યા છે. દિલ્હીના એલએનજેપી હોસ્પિટલમાં દાખલ બ્રિટનથી આવેલા બે દર્દીઓ એવા છે, જે બન્ને ડોઝ અને બૂસ્ટર ડોઝ લગાવીને આવ્યા હતા, તો પણ ઓમિક્રોનનો શિકાર બન્યા. હવે આ દર્દીઓ અપવાદ પણ હોઈ શકે.

ભારતની વાત કરીએ તો કહેવામાં આવે છે કે સરકારે બૂસ્ટર ડોઝ બાબતે સર્વે કરવાની શરુઆત કરી છે. આ સર્વે એવા લોકો પર કરવામાં આવી રહ્યો છે જેમણે છ મહિના પહેલા બન્ને ડોઝ લીધા હતા. આવા લગભગ ૩ હજાર લોકોની પસંદગી કરવામાં આવી હતી. આ સર્વે આધારે નક્કી કરવામાં આવશે કે ભારતમાં બૂસ્ટર ડોઝ માટેનો આ યોગ્ય સમય છે કે નહીં. લગભગ ૧૨૦૦ સેમ્પલ લેવામાં આવ્યા છે. આ તમામ ચર્ચાઓ દરમિયાન સાવધાની રાખવાને જ એક ઉપાય માનવામાં આવે છે. આજે પણ લોકો કોરોનાને ગંભીરતાથી નથી લેતા. દેશભરમાં વિવિધ રાજયો નાઈટ કર્ફ્યુ અમલમાં મૂકી રહ્યા છે. કોર્ટ દ્વારા પણ સલાહ આપવામાં આવી છે કે આવતા વર્ષની શરુઆતમાં ઉત્ત્।ર પ્રદેશમાં થનારી ચૂંટણી પર વિચાર કરવામાં આવે.

(3:58 pm IST)