Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

યુપીની ચૂંટણી અંગે પંચ જ નક્કી કરશે : અનુરાગ ઠાકુર

અલ્હાબાદ હાઈકોર્ટની યુપીની ચૂંટણી ટાળવા અપીલ : જીવન રહેશે તો ચૂંટણી પ્રચાર માટે સભા અને રેલીઓ થશે અને જીવન જીવવાનો અધિકાર તમામને છે : કોર્ટ

નવી દિલ્હી, તા.૨૪ :કોરોનાના વધી રહેલા સંકટ વચ્ચે અલ્હાબાદ હાઈકોર્ટે આગામી વિધાનસભા ચૂંટણીને ટાળી દેવા માટે સરકારને અપીલ કરી છે ત્યારે હવે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યુ છે કે, ચૂંટણી પંચ જ નક્કી કરશે કે ચૂંટણી ક્યારે યોજવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટે એક મામલાની સુનાવણી દરમિયાન ગુરુવારે કહ્યુ હતુ કે, કોરોનાના વધી રહેલા કેસ અને ત્રીજી લહેરની આંશકા વચ્ચે યુપી વિધાનસભાની ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીને થોડી પાછી લઈ જવામાં આવે.કારણકે જીવન રહેશે તો ચૂંટણી પ્રચાર માટે સભા અને રેલીઓ થશે અને જીવન જીવવાનો અધિકાર ભારતના બંધારણે તમામ લોકોને આપેલો છે. કોર્ટે ટિપ્પણી કરી હતી કે, બીજી લહેરમાં આપણે જોયુ હતુ કે, લાખોની સંખ્યામાં લોકો સંક્રમિત થયા હતા અને સેંકડોના મોત થયા હતા.ગ્રામ પંચાયતની અને બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારે કોરોના ફેલાવવામાં ભાગ ભજવ્યો હતો.હવે યુપીમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે અને તમામ પાર્ટીઓ રેલીઓ કરી રહી ત્યારે કોરોના પ્રોટોકોલનુ પાલન શક્ય નથી.જો આ રોકવામાં નહીં આવે તો તેના પરિણામ બીજી લહેર કરતા પણ ભયાનક હશે.ચૂંટણી પંચે આ પ્રકારની સભાઓ અને રેલીઓ પર રોક લગાવીને માત્ર અખબારો તથા ચેનલોના માધ્યમથી પ્રચાર કરવા માટે આદેશ આપવો જોઈએ.

(7:27 pm IST)