Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

અર્થતંત્રને વેગ આપવા કેનેડા વર્ષમાં વધુ પીઆર અપાશે

કેનેડાએ પ્રથમ વખત વર્ષમાં સૌથી વધુ પીઆર આપ્યા : સરકારે કહ્યું છે કે તે આવતા વર્ષે ૪,૧૧,૦૦૦ નવા કાયમી રહેવાસીઓ ઉમેરવાની આશા રાખી રહ્યા છીએ

ટોરેન્ટો, તા.૨૪ : વિદેશમાં જઈને વસવાનું ઘણા લોકોનું સપનું હોય છે તેમાં પણ કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ન્યુઝિલેન્ડ અને યુકે ભારત તેમજ ગુજરાતમાં વિદેશ વસવા માગતા લોકો વચ્ચે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન છે. આ તમામમાં કેનેડાની ઈમિગ્રેશન સિસ્ટમ પ્રમાણમાં ઘણી સરળ અને પાત્રતા ધરાવતા વ્યક્તિને ત્વરિત પરમેનન્ટ રેસિડેન્સી એટલે કે પીઆર આપે તેવી છે. મહત્વનું છે કે આ વર્ષ ૨૦૨૧ની શરુઆતમાં જ કેનેડાએ કોરોનાના ભય વચ્ચે પણ જાહેર કર્યું હતું કે તે ખૂબ જ મોટા પાયે ઈમિગ્રેશન માટે પોતાની બોર્ડર ખોલશે અને લોકોને આવકારશે.

હવે ૨૦૨૧ પૂર્ણ થવા તરફ છે ત્યારે કેનેડાના ઇમિગ્રેશન પ્રધાન સીન ફ્રેઝરે જણાવ્યું હતું કે, દેશમાં પહેલેથી જ અસ્થાયી ધોરણે રહેતા નિવાસીઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને કેનેડાએ ૨૦૨૧ માં ૪,૦૧,૦૦૦ વિદેશીઓને કાયમી રહેઠાણ એટલે કે પરમેનન્ટ રેસિડેન્સી આપવાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. કેનેડા પોતાની અર્થવ્યવસ્થાને ચલાવવા અને પોતાની વૃદ્ધ થતી વસ્તીને ટેકો આપવા માટે ઇમિગ્રેશન પર આધાર રાખે છે, તેણે ૨૦૨૦ માં જ્યારે સરહદો મોટાભાગે કોવિડ-૧૯ ને કારણે બંધ હતી ત્યારે નવા પીઆરની સંખ્યામાં ૪૫% જેટલો ઘટાડો જોય હતો જે ઘટીને ૧,૮૫,૦૦૦ થઈ ગઈ હતી. ઇમિગ્રેશન પ્રધાનના એક નિવેદન અનુસાર નવા ૪,૦૧,૦૦૦ કાયમી રહેવાસીઓમાંથી મોટા ભાગના અસ્થાયી રીતે પહેલાથી જ કેનેડામાં રહેતા હતા. જોકે આટલી મોટી સંખ્યામાં પીઆર આપવા તે છેલ્લા ૧૦૦ વર્ષોમાં પહેલીવાર બન્યું છે.

કેનેડિયન ઈમિગ્રેશન પ્રધાન ફ્રેઝરે કહ્યુ હતું કે ગયા વર્ષે, અમે એક મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું હતું. આજે, અમે તે હાંસલ કર્યું,ઉદારવાદી વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોની સરકારે ૨૦૧૫ માં સત્તા પર આવ્યા પછી કેનેડિયન અર્થતંત્રને વેગ આપવા માટે ઇમિગ્રેશન પર આધાર રાખ્યો છે, દેશની લગભગ ૩૮ મિલિયનની વસ્તીના આશરે ૧% વાર્ષિક લક્ષ્ય નક્કી કર્યું છે. સરકારે કહ્યું છે કે તે આવતા વર્ષે ૪,૧૧,૦૦૦ નવા કાયમી રહેવાસીઓ ઉમેરવાની આશા રાખી રહ્યા છીએ. અગાઉ રજૂ કરાયેલા અધિકૃત ડેટા દર્શાવે છે કે કેનેડાની અર્થવ્યવસ્થા નવેમ્બરમાં સતત છઠ્ઠા મહિને સતત વધી રહી હોવાની સંભાવના છે, જે મહામારીના પૂર્વગાળાની ખૂબ નજીક આવી રહી છે.

(7:33 pm IST)