Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

રાહુલ બાદ હવે પ્રિયંકા : દરેક રાજ્‍યમાં મહિલા માર્ચ

કોંગ્રેસ માટે આવશે ‘અચ્‍છે દિન' ?

નવી દિલ્‍હી તા. ૨૫ : પૂર્વ કોંગ્રેસ અધ્‍યક્ષ રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ‘ભારત જોડો યાત્રા'ની સમાપ્‍તી પહેલા, પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને મોરચો સંભાળવાની તૈયારી કરી રહી છે. પ્રિયંકા ગાંધી ‘હાથ સે હાથ જોડો' અભિયાન હેઠળ તમામ રાજયોની રાજધાનીઓમાં મહિલા માર્ચનું નેતૃત્‍વ કરશે. આ અભિયાન ગણતંત્ર દિવસથી શરૂ થશે. તમને જણાવી દઈએ કે ‘ભારત જોડો યાત્રા' ૩૦ જાન્‍યુઆરીએ શ્રીનગરમાં ધ્‍વજારોહણ સાથે સમાપ્ત થઈ રહી છે.

ફોલોઅપ તરીકે, કોંગ્રેસે દેશભરમાં હાથ સે હાથ જોડો નામની ત્રિ-સ્‍તરીય ઝુંબેશ માટે બ્‍લુ પ્રિન્‍ટ તૈયાર કરી છે. બે મહિનાના આ લાંબા અભિયાનમાં પાર્ટીએ રાહુલ ગાંધીનો સંદેશ અને કેન્‍દ્ર સરકારની નિષ્‍ફળતાઓને દરેક ઘર સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્‍યું છે.

પાર્ટીના એક વરિષ્ઠ નેતાના કહેવા પ્રમાણે, પૂર્વોત્તરના ત્રણ રાજયો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્‍ડમાં ચૂંટણી છે. રાહુલ ગાંધી અને પાર્ટી અધ્‍યક્ષ મલ્લીકાર્જુન ખડગે સહિત તમામ મોટા નેતાઓ ચૂંટણી પ્રચાર કરશે. આ પછી તરત જ કર્ણાટકમાં ચૂંટણી યોજાવાની છે. આવી સ્‍થિતિમાં પાર્ટીનું સમગ્ર ધ્‍યાન ચૂંટણી પ્રચાર પર રહેશે. આ પછી એક નવો પ્રોગ્રામ બનાવવામાં આવશે.

 પાર્ટીનું કહેવું છે કે હાથ સે હાથ જોડો અભિયાન હેઠળ કોંગ્રેસ અધ્‍યક્ષ મલ્લીકાર્જુન ખડગે, પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલ અને કોંગ્રેસ શાસિત રાજયોના મુખ્‍યમંત્રીઓ ભાગ લેશે. આ અભિયાન અંતર્ગત પાર્ટીએ તમામ બૂથ સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખ્‍યો છે. આ સાથે જ જિલ્લા સ્‍તરે પરિષદો અને રાજધાનીઓમાં રેલીઓ પણ યોજાશે.

કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે રાહુલ ગાંધી રેલીઓમાં ભાગ લેશે કે નહીં તે હજુ નક્કી નથી, પરંતુ એ સ્‍પષ્ટ છે કે પ્રિયંકા ગાંધી લગભગ દરેક રાજયમાં મહિલાઓની કૂચ કરશે અને રેલીઓમાં પણ ભાગ લેશે. ચંદીગઢ બંને રાજયોની રાજધાની હોવાથી હરિયાણા, પંજાબ અને ચંદીગઢની કૂચ એક સાથે નીકળી શકે છે.

રાહુલ ગાંધીની આગેવાનીમાં ભારત જોડો યાત્રા હાલમાં જમ્‍મુ-કાશ્‍મીરમાં છે. કન્‍યાકુમારીથી શરૂ થયેલી યાત્રાએ ૧૩૦ દિવસમાં ૩,૫૦૦ કિલોમીટરનું અંતર કાપ્‍યું છે. શ્રીનગરમાં ધ્‍વજારોહણ સાથે યાત્રાનું સમાપન થશે. પાર્ટીએ સમાપન સમારોહ માટે બે ડઝનથી વધુ સમાન વિચારધારા ધરાવતા પક્ષોને આમંત્રિત કર્યા છે.

(11:12 am IST)