Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

ભારત-પાકિસ્તાન કાશ્મીરનો મુદ્દો વાતચીતથી ઉકેલી શકે છે : ઇમરાન ખાન

પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું છે કે તેમણે કાશ્મીર મુદ્દાના સમાધાન માટે ભારત સામે શાંતિ વાર્તાનો પ્રસ્તાવ મૂકયો હતો

કોલંબો,તા.૨૫: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું છે કે ભારત સાથે કાશ્મીર એકમાત્ર વિવાદ છે જેનો ઉકેલ વાતચીત દ્વારા આવી શકે છે. બુધવારે શ્રીલંકા-પાકિસ્તાન ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કોન્ફરન્સને સંબોધતા ઈમરાન ખાને કહ્યું હતું કે ૨૦૧૮મા વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે ભારતને શાંતિ વાર્તા માટેની તક આપી હતી પરંતુ કંઈ થઈ શકયું નહીં. આ કોન્ફરન્સમાં શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે પણ હતા.

ઈમરાન ખાને કહ્યું હતું કે, અમારો એકમાત્ર વિવાદ કાશ્મીર છે અને તેનો ઉકેલ ફકત વાતચીત દ્વારા જ આવી શકે છે. તેમણે કહ્યું હતું કે જયારે હું વડાપ્રધાન બન્યો હતો ત્યારે મેં તાત્કાલિક ભારતનો સંપર્ક કર્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને સમજાવ્યું હતું કે આપણે આપણા મતભેદોને વાતચીત દ્વારા ઉકેલી શકીએ છીએ. મને તેમાં સફળતા મળી ન હતી પરંતુ મને આશા છે કે ભવિષ્યમાં આ વાત આગળ વધશે. ઉપખંડોમાં ગરીબીનો સામનો કરવાનો એકમાત્ર રસ્તો છે કે વેપાર સંબંધોને સુધારવામાં આવે.

અગાઉ ભારતે કહ્યું હતું કે તે પાકિસ્તાન સાથે આંતકવાત મુકત અને શાંતિના સંબંધો ઈચ્છે છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, આપણું સ્થાન જાણીતું છે. ભારત પાકિસ્તાન સાથે આતંક મુકત અને શાંતિના વાતાવરણમાં સામાન્ય પાડોશી જેવા સંબંધો ઈચ્છે છે. હવે તે પાકિસ્તાન પર છે કે તે આવું વાતાવરણ ઊભું કરે.

ભારત અને પાકિસ્તાનના સંબંધો ઘણા વર્ષોથી તણાવ ભરેલા રહ્યા છે. તેમાં ૨૦૧૬મા પઠાણકોટ એર ફોર્સ બેઝ પર આતંકી હુમલા બાદ આ સંબંધો વધારે ખરાબ થયા હતા. ત્યારબાદ ઉરીમાં આતંકવાદી હુમલા બાદ આ સંબંધો વધારે વણસ્યા હતા. ત્યારબાદ ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ પુલવામા આતંકી હુમલો થયો હતો જેમાં ૪૦ સીઆરપીએફ જવાનો શહિદ થયા હતા. ત્યારબાદ ભારતે પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી અને આંતકી અડ્ડાઓનો નાશ કર્યો હતો.

(10:23 am IST)