Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

રેલવે દ્વારા ૯૦,૦૦૦ વેગન્સ બનાવવાનું ટેન્ડર બહાર પડાયું

રેલવે દ્વારા અત્યાર સુધીમાં અપાયેલો સૌથી મોટો ઓર્ડર ઃ લગભગ ૧૬ કંપનીઓએ આ ટેન્ડર મેળવવા હોડમાં છે

નવી દિલ્હી, તા.૨૪ ઃ ભારતીય રેલવે દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું વેગન મેકિંગ ટેન્ડર બહાર પડાયા બાદ લગભગ ૧૬ કંપનીઓએ આ ટેન્ડર મેળવવા હોડમાં છે. રેલવે દ્વારા ૯૦,૦૦૦ વેગન્સ બનાવવા માટેનું ટેન્ડર બહાર પડાયું છે. એક રિપોર્ટ મુજબ, આ ટેન્ડર મેળવવા માટે ટીટાગઢ વેગન્સ અને ટેક્સમાકકો રેલ એન્ડ એન્જિનિયરિંગ ઉપરાંત હિંદુસ્તાન એન્જિનિરિંગ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ઓરિએન્ટલ રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, જ્યુપિટર વેગન્સ, જિંદાલ રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, સિમ્કો (ટીટાગઢ વેગન્સ દ્વારા હસ્તગત) અને ઓમ બેસ્કો રેલવે વેગન્સ મેન્યુફેક્ચરર (તત્કાલીન બેસ્કો લિમિટેડ) પણ આ ૧૬ કંપનીઓમાં સામેલ છે. અન્ય વેગન મેન્યુફેક્ચરર્સમાં સેલ-રાઈટ્સ, બંગાળ વેગન ઈન્ડસ્ટ્રી અને બ્રેથવેટ એન્ડ કંપની જેવા જાહેર ક્ષેત્રના ઉદ્યમ સામેલ છે.

ટેકનિકલ રીતે પાસ થનારી કંપનીઓએ સૌથી ઓછી બોલી સાથે મેચ થવું પડશે. તે પછી જ તે વેગનોની આપૂર્તિ કરી શકશે. મીડિયા રિપોર્ટસ મુજબ, મોટી અરજી માટે ટેકનિકલ યોગ્યતા ( લગભગ ૩૦-૩૫ હજાર કરોડ રૃપિયા- ઈનપુટ કિંમતોના આધાર પર ફેરફાર થઈ શકે છે)ને અંતિમ રૃપ આપવામાં આવી રહ્યું છે. રેલ ડિઝાઈન માપદંડ સંગઠન તરફથી માત્ર એક દિવસમાં ટેકનિકલ ટિપ્પણીઓ પ્રાપ્ત થઈ હતી. આવું પહેલા ક્યારેય થયું નથી.

ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા એક અન્ય અધિકારીએ કહ્યું કે, લગભગ ૧૦ એવી કંપનીઓ છે, જેને મોટો ઓર્ડર મળવાની શક્યતા છે અને કેટલાક ખેલાડી એવા પણ છે, જેને ડેવલપમેન્ટના ઓર્ડર્સ મળી શકે છે. રાષ્ટ્રીય રેલ યોજના મુજબ, આ મેગા ટેન્ડર રેલવેની એ સ્ટ્રેટેજીનો ભાગ છે, જેમાં તે વર્ષ ૨૦૩૦ સુધી દેશમાં માલ પરિવહનને ૨૬-૨૭ ટકાથી ૪૦-૪૫ ટકા સુધી લઈ જવા ઈચ્છે છે. આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટરને ૨૦૩૦ સુધી ત્રણ લાખથી વધુ વેગનોની જરૃરિયાત પડશે.

આ ૯૦ હજાર વેગન બનાવવાનો ઓર્ડર, ઐતિહાસિક રીતે પોતાની રીતનો સૌથી મોટો અને રેલવે દ્વારા એક વર્ષમાં ખરીદાયેલા વેગનો કરતા લગભગ પાંચ ગણો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ભારતીય રેલવે આગામી ત્રણ વર્ષોમાં એક લાખ વધારાના વેગન ખરીદે તેવી શક્યતા છે. અધિકારીએ કહ્યું કે, અમે આગામી કેટલાક વર્ષોમાં વધુમાં વધુ વેગન્સ ખરીદવા ઈચ્છીશું. અમે લાંબા ગાળાના કરારના માધ્યમથી આગામી ત્રણથી ચાર કે પાંચ વર્ષોમાં એવું કરવામાં સક્ષમ થઈશું કે નહીં, તેનું આંકલન કરવાની જરૃર પડશે.

(11:02 pm IST)