Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

નવાઝુદ્દીન સિદ્દીકીએ RRR અને KGF 2 ફિલ્મની સફળતાની ઉડાવી મજાક: ઉઠાવ્યા વેધક સવાલ

કહ્યું- પ્લેન પાણીમાં ફરે છે, માછલીઓ ઉડતી જોવા મળે છે. આ બધો દ્રશ્ય સ્વપ્નના અનુભવ છે.

મુંબઈ :બોક્સ ઓફિસ પર કમાણીના મામલે માત્ર 2 ફિલ્મોનો દબદબો જોવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે બંને ફિલ્મો સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની  છે, RRR અને KGF ચેપ્ટર 2 . આ ફિલ્મોએ કમાણીના મામલે ધૂમ મચાવી છે.

એક તરફ, જુનિયર NTR અને રામચરણની ફિલ્મ 'RRR' અને સાઉથ સુપરસ્ટાર યશની KGF ચેપ્ટર 2ના લોકો સતત વખાણ કરી રહયા છે, ત્યારે બોલિવૂડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ આ દિવસોમાં સૌથી વધુ ચાલતી ફિલ્મો વિશેની યાદી આપીને સવાલ ઉઠાવ્યા છે.

એક ઈન્ટરવ્યુમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ મોટા બજેટમાં રિલીઝ થનારી ફિલ્મોને લઈને વેધક સવાલ ઉઠાવ્યો છે.

બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું છે કે 'મેં ફિલ્મ મંટોમાં કામ કર્યું છે, પણ કેટલા લોકો તેને જોવા આવ્યા હતા. મેં વિચાર્યું કે 2 વર્ષ સુધી કોવિડ-19 મહામારી હતી, જો લોકો તેમના ઘરોમાં રહે તો તેઓ વિશ્વ સિનેમા જોવા આવ્યા હોત. બદલાવ આવ્યો હોત. પણ હવે જેમ જેમ ફિલ્મો હિટ થઈ રહી છે, તેમ જાણે જનહિત વિષે કોઈ વિચારી નથી રહ્યું.'

તેણે આગળ કહ્યું કે, 'હવે થિયેટરોમાં સારી અને નાના બજેટની ફિલ્મો રિલીઝ કરવી મુશ્કેલ છે. આનું કારણ સિનેમાઘરોમાં મોટા બજેટની ફિલ્મોની રજૂઆત છે. આ ફિલ્મો ચમકે છે, લોકોના મનમાં પ્રશંસાની ભાવના ખીલે છે. આ એવી ફિલ્મો છે જેમાં બધું જ અશક્ય છે - પ્લેન પાણીમાં ફરે છે, માછલીઓ ઉડતી જોવા મળે છે. આ બધો દ્રશ્ય સ્વપ્નના અનુભવ છે.'

તેણે આગળ કહ્યું કે, 'મને પણ આ બધા દ્રશ્યો જોવા ગમે છે, પરંતુ આમાં સિનેમા ક્યાં છે ?? જ્યારે આપણે OTT પર CODA અને King Richard જેવી ફિલ્મો જોઈએ છીએ, ત્યારે અમે રાહતનો શ્વાસ લઈએ છીએ કે સદનસીબે સારી ફિલ્મો હજુ પણ બને છે. તે OTTનો આભાર છે કે અમે બચી ગયા. હું માનું છું કે બાળકોને આવી ફિલ્મો બહુ ગમે છે, 2 વર્ષ તો હવે ઘણું છે, આપણે પ્રગતિશીલ બનવું હતું, પણ એવું ન થયું.'

હાલમાં જ નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ હીરોપંતીનું એક પોસ્ટર રિલીઝ થયું હતું, જેમાં તે એકદમ અલગ પાત્રમાં જોવા મળ્યો હતો. નવાઝ આ ફિલ્મમાં લૈલાના રોલમાં જોવા મળશે. અભિનેતાએ પોતે આ વિશે માહિતી આપી હતી.

નવાઝુદ્દીન એવા કલાકારોમાંથી એક છે જે ફિલ્મમાં ત્યારે જ કામ કરે છે, કે જ્યારે ફિલ્મની સ્ક્રિપ્ટ સારી હોય. તાજેતરમાં, તેણે કહ્યું કે નવાઝુદ્દીનને 3 મહિનામાં લગભગ 200 સ્ક્રિપ્ટ્સ ઓફર કરવામાં આવી હતી, જેમાંથી તેણે ફક્ત 5 જ પસંદ કરી છે.

 

(11:50 pm IST)