Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

સેન્સર બોર્ડના અધ્યક્ષ અને પ્રખ્યાત ગીતકાર પ્રસૂન જોશીની માતા સુષ્મા જોશીનું અવસાન

પ્રસૂન જોશીએ લખ્યું કે, 'અત્યંત દુખ સાથે જણાવવું પડે છે કે અમારી પ્રિય માતા સુષ્મા જોશી હવે આ દુનિયામાં નથી.

મુંબઈ : બોલીવુડના પ્રખ્યાત ગીતકાર અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના (CBFC) અધ્યક્ષ પ્રસૂન જોશીની) માતા સુષ્મા જોશીનું નિધન થયું છે. ગુરુગ્રામમાં આજે સવારે તેમની માતાનું અવસાન થયું હતું.

અચાનક આવેલા આ દુઃખદ સમાચારથી સમગ્ર જોષી પરિવાર શોકમાં ગરકાવ છે. પ્રસૂન જોશીની માતાના મૃત્યુની માહિતી તેમના પરિવાર દ્વારા આપવામાં આવી છે.

તેમણે લખ્યું કે, 'અત્યંત દુખ સાથે જણાવવું પડે છે કે અમારી પ્રિય માતા સુષ્મા જોશી હવે આ દુનિયામાં નથી. 24 એપ્રિલે, આજે સવારે તેમનું અવસાન થયું હતું. તેમનો પ્રકાશ હંમેશા આપણને રસ્તો બતાવશે. આ સંદેશમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પ્રસૂન જોશીની માતાના અંતિમ સંસ્કાર ગુરુગ્રામના રામબાગ સ્મશાનગૃહમાં બપોરે 2:30 વાગ્યે કરવામાં આવ્યા હતા. જોશી પરિવારે લોકોને તેમની પ્રાર્થનામાં તેમને યાદ રાખવા વિનંતી કરી છે.

 

તમને જણાવી દઈએ કે, પ્રસૂન જોશીની માતા સુષ્મા જોશી વ્યવસાયે પોલિટિકલ સાયન્સની લેક્ચરર હતા. તેમણે ઓલ ઈન્ડિયા રેડિયો સાથે 3 દાયકાથી વધુ સમય સુધી કામ કર્યું. તેણી શાસ્ત્રીય ગાયિકા પણ હતા. પ્રસૂન જોશીના પરિવાર સહિત ઘણા સેલેબ્સ અને નજીકના લોકો તેમના આકસ્મિક નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટ્વીટ કરીને પ્રસૂન જોશીની માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું છે કે, 'સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના અધ્યક્ષ અને જાણીતા ગીતકાર પ્રસૂન જોશીની માતાના નિધનના દુઃખદ સમાચાર મળ્યા છે. ભગવાન તેમની આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.'

પ્રસૂન જોશી બોલિવૂડના પ્રખ્યાત ગીતકાર છે અને તેઓ સેન્સર બોર્ડના અધ્યક્ષનું પદ પણ ધરાવે છે. પ્રસૂન જોશીએ ભાગ મિલ્ખા ભાગ, ફના, રંગ દે બસંતી, બ્લેક, દિલ્હી 6 અને કેટલીક શ્રેષ્ઠ બોલિવૂડ ફિલ્મો માટે શાનદાર ગીતો લખ્યા છે. આ સિવાય તેમણે ઘણી ફિલ્મોના ડાયલોગ્સ પણ લખ્યા છે.

તેમને વર્ષ 2007, 2008 અને 2014 માં 'ભાગ મિલ્ખા ભાગ' માટે શ્રેષ્ઠ ગીતકારનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત પ્રસૂન જોશીને વર્ષ 2007માં 'તારે જમીન પર' અને વર્ષ 2013માં 'ચિટગાંવ' માટે બે વખત બેસ્ટ સોંગ કેટેગરીમાં નેશનલ એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.

બહુ ઓછા લોકો જાણતા હશે કે, પ્રસૂન જોશીનો પરિવાર મૂળ ઉત્તરાખંડનો છે. પ્રસૂન જોશીનો જન્મ પણ ઉત્તરાખંડના અલ્મોડામાં થયો હતો.

 

(12:22 am IST)