Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

હાય રે મોંઘવારી... સામાન્‍ય પરિવાર પર મહિને રૂા. ૧૦૫૦૦નું વધ્‍યું ભારણ

સામાન્‍ય માણસનું જીવન પહેલા રૂા. ૨૦,૦૦૦માં પુરૂં થતું હવે માસિક ખર્ચ વધીને રૂા. ૩૨૦૦૦ થી ૩૩૦૦૦ થઇ ગયો : આવશ્‍યક ચીજવસ્‍તુઓના ભાવ ૪૦ ટકા વધી ગયા : માસિક બજેટ વેરવિખેર : બે છેડા ભેગા કરવા મુશ્‍કેલ : બચત થતી નથી : ખર્ચા મોઢા ફાડે છે : પગાર વધતો નથી

નવી દિલ્‍હી તા. ૨૫ : નવા વર્ષના પ્રારંભથી જ મોંઘવારીએ ફુંફાડા મારવાના શરૂ કરતાં અનાજ, કઠોળ, ખાદ્યતેલ, પેટ્રોલ, ડિઝલ, શાકભાજી, પરિવહન, દૂધ સહિતની ચીજવસ્‍તુઓ મોંઘી થઇ છે. તેવામાં રશિયા - યુક્રેન યુધ્‍ધે બળતામાં ઘી હોમ્‍યું છે. દરેક ચીજવસ્‍તુઓના ભાવ ભડકે બળવા લાગતા સામાન્‍યજનની હાલત કફોડી બની ગઇ છે. કારમી મોંઘવારીમાં પુરૂં કેમ કરવું એ પ્રશ્ન સૌને સતાવી રહ્યો છે. એક અંદાજ મુજબ વધતી મોંઘવારીને કારણે મધ્‍યમ વર્ગ ઉપર રૂા. ૧૦,૫૦૦નું ભારણ વધી ગયું છે. પહેલા જેમનો ઘરખર્ચ રૂા. ૨૦,૦૦૦ હતો તે હવે વધીને રૂા. ૩૨૦૦૦ થી ૩૩૦૦૦ માસિક થઇ ગયો છે.
છેલ્લા થોડા સમયથી મોંઘવારીએ માઝા મુકી છે. તમામ ચીજવસ્‍તુઓમાં સરેરાશ ૪૦ ટકા જેટલા ભાવ વધી ગયા છે. ૬૦૦ રૂપિયાનો ઘરેલું વપરાશનો રાંધણગેસનો બાટલો હવે ૯૫૦માં મળે છે. ૭૦ રૂપિયાનું પેટ્રોલ ૧૦૫ સુધી પહોંચી ગયું છે. ૧૪૦૦ રૂપિયાના તેલના ૧૫ લીટરના ડબાના હવે ૨૯૦૦ રૂપિયા ચૂકવવા પડે છે. દૂધની અડધો લીટરની ૨૪ રૂપિયાની થેલીના ૩૦ અને ૧૦૦ રૂપિયા પ્રતિ કિલોથી નીચેના ભાવે લગભગ કોઇ લીલા શાકભાજી મળી રહ્યા નથી. ઘઉં, મસાલા વગેરેના ભાવ પણ વધ્‍યા છે. કોરોના મહામારીના બે વરસના લોકડાઉનના કારણે ધંધા-રોજગારને માઠી અસર પડી હોય લોકોની આવકમાં કોઇ વધારો થયો નથી. લોકોના ખિસ્‍સા ખાલી થઇ ગયા છે. બીજી તરફ વધતી મોંઘવારીના કારણે મધ્‍યમ વર્ગીય સામાન્‍ય પરિવાર પર મહિને રૂા. ૧૦,૫૦૦નું ભારણ વધી ગયું છે. શાકભાજીના ભાવ વધે ત્‍યારે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, તેવા સમાચારો જોવા મળતા હતા. પરંતુ હવે તો આખા પરિવારના બજેટ ખોરવાઇ ગયા છે. રોજેરોજનું કમાઇને ખાતા નાના વર્ગના પરિવારો જ નહીં બાંધી આવક મેળવતા ખાનગી કંપનીના કર્મચારીઓ તથા તગડો પગાર મેળવતા હોવાની છાપ ધરાવતા સરકારી કર્મચારીઓ પણ બાબત રહ્યા નથી. શહેરોમાં રહેતા એક સામાન્‍ય વર્ગના પરિવારનો ૧ વર્ષ પૂર્વેનો અને હવેનો ઘરખર્ચ કેટલો તેનો એક અભ્‍યાસ રજુ થયો છે.

 

(9:58 am IST)