Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

સોનાની કિંમતમાં વધુ વધારો થશે : આ રહ્યા ૫ કારણો

જાન્‍યુઆરીથી સોનાએ રોકાણકારોને સાત ટકા નફો આપ્‍યો છેઃ જ્‍યારે સેન્‍સેક્‍સમાં આ સમયગાળા દરમિયાન રોકાણકારોએ લગભગ બે ટકાનું નુકસાન કર્યું છે

આ કારણોસર સોનાના ભાવમાં વધુ વધારો થઈ શકે છે

(૧) રશિયા અને યુક્રેન વિવાદ લાંબા સમય સુધી ખેંચાવાને કારણે વૈશ્વિક બજારો પર અસર

(૨) IMF વૈશ્વિક આર્થિક વૃદ્ધિ અનુમાનને ડાઉનગ્રેડ કરે છે

(૩) યુરોપ પર ફ્રાન્‍સમાં રાષ્ટ્રપતિની ચૂંટણીની સંભવિત અસર

(૪) સ્‍થાનિક બજારમાં માંગમાં વધારો

(૫) ચીનમાં ઝડપથી ફેલાતા કોરોનાને કારણે વૈશ્વિક બજારોમાં ફરી ગભરાટ

નવી દિલ્‍હી,તા. ૨૫: ભારતમાં પરંપરાગત રીતે સોનું રોકાણકારોની પસંદગી રહી છે. વર્ષના પ્રથમ ચાર મહિનામાં પણ સોનાએ રોકાણકારોને નિરાશ કર્યા નથી. જાન્‍યુઆરીથી સોનાએ રોકાણકારોને સાત ટકા નફો આપ્‍યો છે, જયારે સેન્‍સેક્‍સમાં આ સમયગાળા દરમિયાન રોકાણકારોએ લગભગ બે ટકાનું નુકસાન કર્યું છે. બજારના નિષ્‍ણાતોનું કહેવું છે કે સ્‍થાનિક માંગમાં તેજી અને વર્તમાન વૈશ્વિક આર્થિક સ્‍થિતિને જોતાં સોનામાં વધુ ઉછાળો આવી શકે છે.

નિષ્‍ણાતો કહે છે કે સોનામાં ટૂંકા ગાળા અને લાંબા ગાળામાં તેજીના સંકેત દેખાઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે ડોલર ઇન્‍ડેક્‍સ ૧૦૧ પર પહોંચી ગયો છે, જે અપેક્ષા કરતા વધારે છે. જો આમાં કોઈ મોટો ઘટાડો થશે તો સોનામાં જોરદાર ઉછાળો આવી શકે છે. આ સિવાય અન્‍ય પરિબળો પણ છે જે સોનાને નવી ઊંચાઈ આપી રહ્યા છે. યુએસમાં વ્‍યાજ દરો વધી રહ્યા છે. જયારે ત્‍યાં ફુગાવો પાંચ દાયકાના ઉચ્‍ચ સ્‍તરે છે. આમ છતાં મ્‍યુચ્‍યુઅલ ફંડ કંપનીઓ પણ સોનામાં રોકાણ કરવાનું પસંદ કરી રહી છે.

જેના કારણે સોનાની કિંમતમાં પણ વધારો થઈ રહ્યો છે. નિષ્‍ણાતોનું કહેવું છે કે સલામત રોકાણ તરીકે સોનું રોકાણકારોની પ્રથમ પસંદગી છે અને વર્તમાન વૈશ્વિક રાજકીય અને આર્થિક ઉથલપાથલ અર્થતંત્રમાં અનિશ્ચિતતાનો સંકેત આપી રહી છે. આ કારણે સોનામાં રોકાણ વધી રહ્યું છે, જેની અસર તેની કિંમતો પર પડી રહી છે. નિષ્‍ણાતોનું કહેવું છે કે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્‍ચે, ચીનમાં ફરી કોરોનાના વધતા સંકટ અને રશિયા-યુક્રેન યુદ્ધની લાંબી ખેંચના કારણે રોકાણકારોનો ઝુકાવ સોના તરફ વધુ છે.

IIFFLના વાઇસ પ્રેસિડેન્‍ટ (કોમોડિટીઝ એન્‍ડ કરન્‍સી) અનુજ ગુપ્તાએ જણાવ્‍યું હતું કે IMF દ્વારા વૈશ્વિક આર્થિક વૃદ્ધિ અનુમાનને ડાઉનગ્રેડ કર્યા બાદ સુરક્ષિત રોકાણ તરીકે સોનામાં રોકાણકારોનો વિશ્વાસ ફરી એકવાર વધ્‍યો છે. આ સિવાય રશિયા-યુક્રેન વિવાદ અને ભારતમાં લગ્નની સિઝનમાં માંગ વધવાને કારણે પણ સોનાના ભાવ વધી રહ્યા છે. ગુપ્તાનું કહેવું છે કે વર્તમાન પરિસ્‍થિતિને જોતા દિવાળી સુધી સોનું ૫૫ હજાર રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના સ્‍તરને સ્‍પર્શી શકે છે. તેમનું કહેવું છે કે અત્‍યારે આમાં કોઈ મોટા ઘટાડાની આશંકા નથી. 

(10:13 am IST)