Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

બિહારઃ ચા પીવા માટે ઊભી રાખી હતી ટ્રેનઃ રેલવે ક્રોસિંગની બંને તરફ ટ્રાફિક જામ થયો

આને કહેવાય ઘરની ધોરાજી

પટના, તા.૨૫: ગ્‍વાલિયર-બરૌની એક્‍સપ્રેસના લોકો પાયલટોએ બિહારના સીવાન સ્‍ટેશન નજીક રેલવે ક્રોસિંગ પાસે ચા પીવા માટે ટ્રેન રોકી હોવાના એક દિવસ પછી રેલવેએ આ બાબતે તપાસના આદેશ આપ્‍યા છે. નોર્થ ઈસ્‍ટ રેલવેના મુખ્‍ય જનસંપર્ક અધિકારીના જણાવ્‍યા મુજબ, આ બાબતે ગાર્ડ અને લોકો પાયલટને સ્‍પષ્ટીકરણ આપવા જણાવાયું છે. તપાસ પૂરી થયા પછી રેલવે કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. પ્રત્‍યક્ષદર્શીઓના જણાવ્‍યા મુજબ, ટ્રેન સવારે ૫.૨૭ વાગ્‍યે સીવાન સ્‍ટેશન પહોંચી હતી. આ દરમિયાન લગભગ સહાયક લોકો પાયલટ લોકોમોટિવથી નીચે ઉતર્યો અને ચા લેવા માટે નજીકના એક ટી-સ્‍ટોલ પહોંચ્‍યો હતો.

એક પ્રત્‍યક્ષદર્શીના જણાવ્‍યા મુજબ, જયારે આ ટ્રેન ચાની દુકાન પાસે પહોંચી ત્‍યારે તેમણે ટ્રેન ઊભી રાખી. જયાં સહાયક પાયલટ હાથમાં ચાનો કપ લઈને ટ્રેન ઊભી રહે તેની રાહ જોઈ રહ્યો હતો. અહીં નોંધનીય છે કે ગ્રીન સિગ્નલ મળતા જ આ ટ્રેન હાજીપુર તરફ આગળની મુસાફરી માટે સવારે ૫.૩૦ વાગ્‍યે સીવાન સ્‍ટેશનથી રવાના થઈ હતી. આ ટ્રેનનો લોકો પાયલટ એ વાત યોગ્‍ય રીતે જાણતો હતો કે તેનો સહાયક લોકોમોટિવ કેબિનની અંદર હાજર નહોતો. સીવાનના સ્‍ટેશન માસ્‍ટર અનંત કુમારે કહ્યું કે આ સમગ્ર મામલાની જાણ સ્‍ટેશન નિદેશકને કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્‍યા મુજબ, ટ્રેન અચાનક આ રીતે ઊભી રહી જતાં રેલવે ક્રોસિંગની બંને તરફ વાહનનો ટ્રાફિક જામ થયો હતો. જેમાં દર્દીને લઈ જઈ રહેલી એમ્‍બુલન્‍સ પણ ફસાઈ હતી.

(11:02 am IST)