Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

પંજાબમાં અટારી બોર્ડરે ઝડપાયુ ૭૦૦ કરોડનું હેરોઇન

હેરોઇનનો જથ્‍થો ૧૦૨ કિલોઃ અફઘાનથી આવ્‍યું હતુ

ચંદીગઢ, તા.૨૫: સીમા શુલ્‍ક અધિકારીઓએ અટારીમાંથી આંતરરાષ્‍ટ્રીય બજારમાં લગભગ ૭૦૦ કરોડ રૂપિયાની કિંમતનું ૧૦૨ કીલો હેરોઇન ઝડપી પાડયું છે, જે દિલ્‍હીના એક આયાતકાર દ્વારા અફધાનિસ્‍તાનથી આયાત મુલેઠીની ખેપ સાથે પેક કરવામાં આવ્‍યુ હતું. સીમા શુલ્‍ક વિભાગ અનુસાર, મુલેઠીની ખેર્પીના એકસ-રે સ્‍ક્રેનીંગ પછી આનો ભાંડો ફુટયો હતો. લાકડાા સામાનની ખેપમાં કેટલાક અનિયમીત ધાબાઓ હોવાની શંકા ઉભી થયા પછી સીમા શુલ્‍ક કર્મચારીઓએ થેલાઓ ખોલ્‍યા પછી જણાયું કે કેટલાક થેલાઓમાં નાની વેલણ આકારની લાકડીઓ હતી જે મુલેઠી નહોતી.

સીમા શુલ્‍ક વિભાગે કહ્યું કે આ લાકડાની ખેપનું કુલ વજન ૪૭૫ કીલો હતું જેમાંથી આંતરરાષ્‍ટ્રીય બજારમાં લગભગ ૭૦૦ કરોડ મુલ્‍યનું ૧૦૨ કીલો હેરોઇન ઝડપાયુ હતું. હેરોઇનની આ ખેપ અફઘાનિસ્‍તાનથી પાકિસ્‍તાન માર્ગે ભારત લાવવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે પંજાબમાં માન સરકારે નશો રોકવા માટે મોટું અભિયાન ચાલુ કરેલું છે તેમ છતાં અવારનવાર કેટલાય યુવકોના મોત નશાના ઓવરડોઝને કારણે થતા રહે છે.

ભારત અટારી બોર્ડર પરથી અફઘાનિસ્‍તાનથી સુકા મેવા, તાજા ફળો અને જડી બુટીઓની આયાત કરે છે. આ પહેલા જૂન ૨૦૧૯માં સીમા શૂલક અધિકારીઓએ અફઘાનિસ્‍તાનથી આયાત થતા માલમાં ૫૩.૬ કીલો હેરોઇન જપ્‍ત કર્યુ હતું.

સુત્રોએ જણાવ્‍યું કે દિલ્‍હીના એક આયાતકારે અફઘાનિસ્‍તાન ખાતેના વેપારીએ નઝીર કંપની મજારે શરીફથી કુલ ૩૪૦ બેગ, મુલેઠીની આયાત કરી હતી જેનો કીબર સ્‍થિત રસદ અને માલ પરિવહન કંપની દ્વારા અટારી લવાયુ હતું. હેરોઇનની સાથે મુલેઠીની ખેપ ૨૨ એપ્રિલે આઇસીપી અટારીમાં એક કાર્ગો ટર્મીનલમાં ઉતારાઇ હતી. સીમા શુલ્‍ક અધિકારીએ કલીયરીંગ એજન્‍સીની તપાસ કરી રહ્યા છે જે આ ખેપને રીસીવ કરીને દિલ્‍હી મોકલવાની હતી.

(11:08 am IST)