Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

કલમ ૩૭૦ને પડકારતી અરજીને સાંભળશે સુપ્રિમ કોર્ટ

ચીફ જસ્‍ટીસ કહે છે : ૫ જજોની બેંચની રચના થશે : જમ્‍મુ - કાશ્‍મીર મામલે થયેલી અરજી ઉપર જુલાઇમાં સુનાવણી સંભવ

નવી દિલ્‍હી તા. ૨૫ : કાશ્‍મીરમાંથી કલમ ૩૭૦ હટાવવા અને જમ્‍મુ-કાશ્‍મીરને બે કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કરવા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી જુલાઈમાં સુનાવણી માટે આવે તેવી શક્‍યતા છે. સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્‍ટિસે કહ્યું કે, તેઓ અરજીની સુનાવણી માટે જુલાઈમાં મામલાની યાદી બનાવવાનો પ્રયાસ કરશે. અગાઉ, વરિષ્ઠ વકીલ શેખર નાફડે અને પી ચિદમ્‍બરમે વિધાનસભા બેઠકોના સીમાંકનને ટાંકીને વહેલી સુનાવણીની માંગ કરી હતી.

ચીફ જસ્‍ટિસે કહ્યું કે, કલમ ૩૭૦ પર કેન્‍દ્રના નિર્ણયને પડકારતી અરજી પાંચ જજોની બેંચનો મામલો છે. આ માટે બેન્‍ચની રચના કરવી પડશે, એમ તેમણે જણાવ્‍યું હતું. આવી સ્‍થિતિમાં આ કેસની સુનાવણી ઉનાળાના વેકેશન બાદ જુલાઈમાં થઈ શકે છે. હકીકતમાં, ૨૦૧૯ માં, મુખ્‍ય ન્‍યાયાધીશ રંજન ગોગોઈ દ્વારા આ મામલો બંધારણીય બેંચના અધ્‍યક્ષ એનવી રમન્નાને મોકલવામાં આવ્‍યો હતો.

(3:13 pm IST)