Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

માતા અને ૨ સંતાનોની સળગતી ચીતાઓમાંથી કઢાયા અર્ધ બળેલા શબ

માત્ર પાંચ રૂપિયા માટે થયેલ ઝઘડામાં પરિવાર ખત્‍મ

નાલંદાઃ ફકત પાંચ રૂપિયા માટે આખો પરિવાર ઉજડી ગયો છે. પતિ સાથે થયેલ તકરાર પછી ગુસ્‍સે ભરાયેલ એક મહિલાએ બે માસુમ બાળકો સાથે ઝેર પી લીધુ હતું. સારવાર દરમ્‍યાન એક પછી એક ત્રણેના મોત થયા હતા. મોત પછી પરિવારજનો છાનામાના શબને બાળી રહ્યા હતા. જેની જાણ મહિલાના પિયરીયાઓ પોલીસને આપતા પોલીસે સ્‍મશાને પહોંચીને ચિતા પરથી અર્ધબળેલા શબો જપ્‍ત કર્યા હતા. આ ઘટના નૂરસરાય પોલિસ સ્‍ટેશનના અહીંયાપુર ગામની છે.

મૃતકોમાં પવન ચૌહાણની ૨૪ વર્ષીય પત્‍નિ પ્રિયંકાકુમારી, બે વર્ષની પુત્રી કરિશ્‍મા કુમારી અને આઠ માસનો પુત્ર સંસ્‍કાર કુમાર સામેલ છે. આ ઘટનાથી ગામમાં શોક છવાયો છે. બીજી તરફ મૃતકના પિતા શરણપ્રસાદ ચૌહાણે પતિ અને સાસુ પર ખાવામાં ઝેર ભેળવીને હત્‍યા કર્યાનો આરોપ મુકયો છે. ગામવાસીઓનું માનીએ તો પવને આઇસ્‍ક્રીમ ખાવા માટે પોતાની માતાને પાંચ રૂપીયા આપ્‍યા હતા. આ બાબતે પતિ-પત્‍નિ વચ્‍ચે ઝઘડો થયો હતો. સવારે મહિલાએ પૂજા-પાઠ કર્યા હતા અને બંને બાળકોને ઝેર આપ્‍યા પછી પોતે પણ ઝેર ખાઇ લીધુ હતું.

(3:34 pm IST)